અમદાવાદ : વેપારીઓ અને નાગરિકો કોરોનાથી નહિ, પણ આર્થિક પાયમાલીમાં મરી જશે

0
4

મ્યુનિ. ચૂંટણીમાં રેલીઓ યોજી, 70 હજારથી વધુ દર્શકો સાથે સ્ટેડિયમ ભરી દેવાયું. આ બંને કાર્યક્રમોમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કના કાયદાનું પાલન થયું નહીં અને સરકાર મૂકપ્રેક્ષક બની રહી. કોરોનાના કેસ એકદમ જ વધવાનું શરૂ થતાં અધિકારીઓ હવે ‘સરકારનો આદેશ છે’ કહીને સાંજે કર્ફ્યૂ લાગુ થાય તે પહેલાં જ ખાણીપીણીની દુકાનો, કીટલી, ગલ્લા બંધ કરાવી રહ્યાં છે. જો કર્ફ્યૂમાં પણ રાત્રે 10.30 સુધી મેચ રમાડાતી હોય તો માસ્ક પહેરી રાત્રે ચાલવા નીકળતા લોકોને કર્ફ્યૂના નામે ડરાવી કેમ દંડવામાં આવી રહ્યા છે તેવો લોકોમાં આક્રોશ છે.

અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં ખાણી-પાણી માર્કેટ બંધ કરાવતી AMCની ટીમો
અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં ખાણી-પાણી માર્કેટ બંધ કરાવતી AMCની ટીમો

બરફના ગોળા, શેરડીનો રસ, તડબૂચનાં થડાં કે આઇસ્ક્રીમનો ધંધો માંડ 4 મહિના ચાલે છે. ગયા વર્ષે આ ધંધા ચાલી શક્યા નથી તો ફરી બીજા વર્ષે પણ આ ધંધા બંધ કરાવાઈ રહ્યાં છે. જો બે વર્ષ સુધી કમાણી ન થાય તો આવા વેપારીઓ અને નાગરિકો કોરોનાથી નહિ, પણ આર્થિક પાયમાલીમાં મરી જશે તેવો વેપારીઓ અને લોકોમાં આક્રોશ છે.

કર્ફ્યૂના સમય પહેલા દુકાનો, રેસ્ટોરાં બંધ કરાવાઈ
રેસ્ટોરાં અને કેફેમાં બહાર લાગેલા ટેબલો પણ બંધ કરાવી દેવાયા હતા. ઘણા વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યૂ લાગવાના બે કલાક પહેલા જ AMCની ટીમો વિસ્તારમાં ઉતરી દુકાનો, રેસ્ટોરાં બંધ કરાવતાં વેપારીઓમાં રોષ ફેલાયો હતો. કર્ફ્યૂનો સમય ન હોવા છતાં દુકાનો બંધ કરાવતા વેપારીઓ રોષે ભરાઈ ગયા હતા. પરંતુ AMCના દંડની ધમકીઓ સામે વેપારીઓ બોલી શકતાં નથી.

પશ્ચિમ વિસ્તારમાં રોડ સૂમસામ બન્યા​​​​​​
આ પહેલા ગુરુવારે કર્ફ્યૂ દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તાર જ્યાં મોટી સંખ્યામાં લોકો બેસવા માટે એસ.જી. હાઇવે પર આવતા હતા, અલગ અલગ કેફે મોડી રાત સુધી લોકોની ભીડથી ભરેલા રહેતા હતા, હોટલ,રેસ્ટોરાં અને ઢાબા પર લોકોની અવરજવર રહેતી હતી એ તમામ જગ્યાઓ કર્ફ્યૂના સમય અગાઉ જ બંધ થઈ હતી. જ્યાં લોકોની ભીડ રહેતી હતી તેવા રોડ રસ્તા અને દુકાનો ખાલીખમ અને સૂમસામ બન્યા હતા. પેટ્રોલપંપ અને દવાની દુકાન સિવાય તમામ દુકાનો સંપૂર્ણ બંધ જોવા મળી હતી. રસ્તા પર ક્યાંક એકલદોકલ લોકો ચાલતા જોવા મળ્યા હતા, પરંતુ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન લોકો દેખાયા નહોતા.

પૂર્વ વિસ્તારમાં પોલીસ પણ મૂકપ્રેક્ષક બની
જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ગુરુવારે કર્ફ્યૂના સમયે વાહનોની એટલી અવરજવર હતી કે જરાય લાગે નહીં કે શહેરમાં રાત્રિ કર્ફ્યૂ છે. આ તમામની વચ્ચે પોલીસ પણ પસાર થઈ હતી, તેઓ માત્ર સાયરન વગાડીને લોકોને વોર્નિંગ આપી હતી પણ તેમણે કોઈની સામે કાર્યવાહી કરી નહોતી. તેઓ પણ મૂખપ્રેક્ષક બનીને આ બધી ગતિવિધિઓ નજરઅંદાજ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું. કોઈ જગ્યાએ પોલીસના ચેકપોઇન્ટ ન હતા એટલે લોકો બેફિકર થઈને ફરી રહ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા, કૃષ્ણનગર અને નિકોલમાં રાત્રિ કર્ફ્યૂને લઈને રોડ રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here