અમદાવાદ : વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા બિલ્ડરે ઝેરી દવા ગટગટાવી

0
6

દાણીલીમડા વિસ્તરમાં બે વ્યાજખોરોએ એક બિલ્ડરની મિલકતો પચાવી પાડી હતી અને અવારનવાર ફોન ઉપર વધુ રૂપિયા માંગી તેને ધમકી પણ આપતા હતા. આ બિલ્ડરે 50 લાખ રૂપિયા કન્સ્ટ્રકશનની સાઈટમાં જરૂર પડતા વ્યાજે લીધા હતા. જોકે વ્યાજ સાથે રકમ પરત કરી દીધી હોવા છતાં વધુ પૈસાની માગણી કરીને વ્યાજખોરોનો ત્રાસ ચાલુ રહેતા બિલ્ડરે દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા દાણીલીમડા પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયો બિલ્ડર
શહેરના દાણીલીમડામાં આવેલા શીતલ ફ્લેટમાં રહેતા ઝાકીર હુસેન કુરેશી બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનું કામ કરે છે. આજથી ત્રણેક વર્ષ પહેલાં બોમ્બે હોટેલ ખાતે રોશન રેસિડેન્સી નામની ફ્લેટની સ્કીમ ચાલુ કરી હતી. જે સ્કીમ માટે પૈસાની જરૂર પડતાં તેણે પોતાના મિત્ર રસીદ ખાનને વાત કરી હતી અને રસીદખાને તેની મુલાકાત લિયાકત મિર્ઝા અને ઇકબાલ ખાન સાથે કરાવી હતી. આ બંને વ્યક્તિઓએ પૈસા વ્યાજે આપવાની તૈયારી બતાવી હતી. ઝાકીર હુસેને ઈકબાલ ખાન પઠાણ પાસેથી 50થી 60 લાખ જેટલી રકમ વ્યાજ પર લીધી હતી. જે રકમ વ્યાજ સાથે ચૂકવી પણ આપી હતી. પણ આ ઈકબાલ પઠાણ પૈસાની લાલચમાં ઝાકીર હુસેન પાસે બીજા 25થી 30 લાખ વધારે માગતો હતો. ઝાકીર હુસેને લિયાકત મિર્ઝા પાસેથી ટુકડે-ટુકડે 16 લાખની રકમ વ્યાજે લઈ પૈસા ચૂકવી દીધા હતા.

વ્યાજ સાથે મૂડી પરત કરવા છતાં ફ્લેટ પડાવી લીધો
જોકે તેમ છતાં વ્યાજ પેટે વધુ રકમ પડાવી લેવા માટે ઈકબાલ પઠાણ અને લિયાકત મિર્ઝા ધાક ધમકી આપતા હતા. આ બંને લોકોએ ઝાકીર હુસેનને ડરાવી ધમકાવી ફ્લેટના લખાણ ઉપર સહી કરાવી તેનો કબજો લઈ લીધો હતો. ઝાકીર હુસેન પોતાની જ ફ્લેટની સ્કીમ ઉપર પણ જઇ શકતા ન હતા. લિયાકત મિર્ઝા ઝાકીર હુસૈનને ફોન ઉપર ધમકી આપી મૂડી પર ૨૦ ટકા રકમ વધુ માંગી હતી. આટલું જ નહિ એકવાર ઝાકીર હુસેનના ઘરે જઈ તેને ફોરવીલમાં બેસાડી તેના ઘરે લઇ જઇ માર માર્યો હતો અને ફ્લેટનું ધાબુ પણ લખાવી લીધું હતું. ઈકબાલ ખાને પણ ફ્લેટમાં કબજો લઇ ત્યાં સીસીટીવી કેમેરા ફીટ કરાવી દીધા હતા અને ઝાકીર હુસેન ત્યાં જાય તો મોબાઈલમાં સીસીટીવી ફૂટેજ જોઈને ત્યાં શું કામ આવેલો તેમ કહી ધમકીઓ આપતો હતો.

બિલ્ડરે કર્યો આપઘાતનો પ્રયાસ
જેથી ઝાકિર હુસેનને આ બાબતને લઈને ડર લાગતા તેણે 19 માર્ચના રોજ ઉંદર મારવાની દવા પી લીધી હતી અને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્રણેક વર્ષથી આ બંને શખ્સો કે જે વ્યાજખોર છે તેઓએ અવારનવાર ધમકીઓ આપી ઝાકિર હુસેનની મિલકતો પચાવી કબજો કરતા આ અંગે તેણે બંને શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here