અમદાવાદઃ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 74 તાલુકાઓમાં કયાંક ધોધમાર તો કયાંક હળવો વરસાદ વરસી રહ્યો છે. સવારે છથી દસ વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 148 મી.મી. એટલે કે છ ઇંચ અને તાપી જિલ્લાના વ્યારામાં સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યાના બે કલાકના સમયગાળા દરમિયાન 81 મી.મી. એટલે કે સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરત શહેરમાં તથા કામરેજમાં સવારે છ થી આઠના બે કલાક સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
10 તાલુકાઓમાં એકથી બે ઈંચ વરસાદ
આ ઉપરાંત 10 તાલુકાઓમાં એક ઈંચથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં બારડોલી, ઉચ્છલ, મહુવા (સુરત), બાલાસિનોર, ખેરગામ, સોનગઢ, વાલોડ, કુકરમુંડા, ચીખલી અને વાંસદાનો સમાવેશ થાય છે. સવારે ૧૦ વાગ્યા સુધીના છેલ્લાં ચાર કલાકમાં ૧૪ તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
- સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માત્ર ચાર કલાકમાં જ છ ઈંચ વરસાદ
- તાપી જિલ્લાના વ્યારામાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ