અમદાવાદ : મહિલા બુટલેગરે કહ્યું ભલે હત્યા થાય પણ ધંધો બંધ નહીં કરું, કંટ્રોલ રૂમમાં જાણ કરતાં જ પોલીસે કાર્યવાહી કરી

0
0

અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર બંધ હોવા છતાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દારૂની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. દારૂના અડ્ડા ચલાવતાં બુટલેગરો પોલીસની જ મદદથી આગળ આવતા હોય એમ હવે ખુલ્લેઆમ પડકાર ફેંકે છે કે ભલે હત્યા થઈ જાય પણ દારૂનો ધંધો તો થશે જ. એક જાગૃત નાગરિક દ્વારા શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં પોટલીયા ચાર રસ્તા પાસે જજ સાહેબની ગલીમાં એક મહિલા દેશી દારૂ વેચતી હોવાનો પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરવામાં આવ્યો હતો. મેસેજના પગલે શહેરકોટડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલા બુટલેગર મહિલાને દેશી દારૂ સાથે ઝડપી તેની સામે ગુનો નોંધ્યો હતો.

નારોલ અને નિકોલમાંથી પોલીસે 89 હજારનો વિદેશી દારુ ઝડપ્યો હતો (ફાઈલ ફોટો)

નારોલ અને નિકોલમાંથી પોલીસે 89 હજારનો વિદેશી દારુ ઝડપ્યો હતો (ફાઈલ ફોટો)

પોલીસે દેશી દારુનો જથ્થો ઝડપીને મહિલા બુટલેગરની ધરપકડ કરી

શહેરકોટડા વિસ્તારમાં દેશી દારૂઓના અડ્ડાઓ બેફામ ચાલતા હોવાને લઇ ભૂતકાળમાં અનેકવાર સ્થાનિક લોકો રજુઆત અને વિરોધ કરી ચુક્યા છે છતાં પોલીસના વહીવટદારની રહેમનજર હેઠળ દારૂના અડ્ડાઓ ચાલતા હોય છે. જેની વચ્ચે ફરી એકવાર શહેરકોટડા વિસ્તારમાં પોટલીયા ચાર રસ્તા પાસે આવેલી જજસાહેબની ગલીમાં મધુબેન નામની મહિલા દેશી દારૂ વેચતી હોવાને લઇ પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરવામાં આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે “મધુબેન દેશી દારૂ વેચે છે, આ ધંધો બંધ કરાવો. મધુબેન કહે છે કે ભલે મર્ડર થઈ જાય પણ ધંધો બંધ નહિ થાય જેથી હવે પોલીસ કંઈક કરે” મેસેજના પગલે શહેરકોટડા પોલીસ સ્ટાફ જજસાહેબની ગલી ખાતે પહોંચી અને મધુબેન દંતાણી નામની મહિલા બુટલેગર પાસેથી દેશી દારૂનો જથ્થો ઝડપી તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

અગાઉ 89 હજારની કિંમતની દારૂની બોટલો કબજે કરી

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂની હેરાફેરી પર PCBએ કાર્યવાહી કરી હતી. છેલ્લા એક સપ્તાહમાં PCBએ નિકોલ અને નારોલ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદના નિકોલમાં બુટલેગર લોડિંગ રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂ છુપાવી રાખતો હતો અને રિક્ષા ઓળખીતાના ફ્લેટમાં પાર્કિગમાં મૂકી રાખતો હતો. જ્યારે નારોલ વિસ્તારમાંથી એક મકાનમાં છુપાવેલા વિદેશી દારૂની નાની બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસે 89 હજારની કિંમતની અલગ અલગ બ્રાન્ડની 60 અને 90 mlની દારૂની બોટલો ઝડપી પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here