વંદે ભારત મિશનનો ચોથો તબક્કો : એર ઇન્ડિયા 3થી 15 જુલાઇ સુધી 170 ફ્લાઇટ્સની મદદથી 17 દેશોમાંથી ભારતીયોને પરત લાવશે

0
9

નવી દિલ્હી. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશનનો ચોથો તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે. તેમાં એર ઇન્ડિયા 3થી 15 જુલાઇ સુધી 17 દેશોમાં 170 ફ્લાઇટ્સ સંચાલિત કરશે. કોરોના મહામારીના લીધે ભારતે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવ્યો છે. તેથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે 6મેથી સરકારે વંદે ભારત મિશન શરૂ કર્યું હતું.

આ દેશોમાંથી ભારતીયોને લાવવામા આવશે
મિશનના ચોથા તબક્કામાં કેનેડા, અમેરિકા, બ્રિટન, કેન્યા, શ્રીલંકા, ફિલિપિન્સ, કિર્ગિસ્તાન, સઉદી અરબ, બાંગ્લાદેશ, થાઇલેન્ડ, દ.આફ્રિકા, રશઇયા, ઓસ્ટ્રેલિયા, મ્યાનમાર, જાપાન, યુક્રેન અને વિયેતનામથી ભારતીયોને પરત લાવવામા આવશે. આ દેશોમાં 170 ફ્લાઇટ્સનું સંચાલન થશે.

કયા રૂટ પર કેટલી ફ્લાઇટ્સ
ભારત-બ્રિટન રૂટ પર 38 ફ્લાઇટ્સ અને ભારત-અમેરિકા રૂટ પર 32 ફ્લાઇટ્સનું સંચાલન થશે. ભારત અને સઉદી અરબ વચ્ચે 26 ફ્લાઇટ ઓપરેટ થશે. વંદે ભારત મિશનના ત્રીજા તબક્કામાં એર ઇન્ડિયા 495 ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. ત્રીજો તબક્કો 10 જૂને શરૂ થયો હતો અને 4 જુલાઇ સુધી ચાલશે. આ મિશનનો પહેલો તબક્કો 7 થી 16 મે સુધી ચાલ્યો હતો.

અમેરિકાએ ફ્લાઇટ્સને એન્ટ્રી ન આપવાની વાત કહી
22 જૂને અમેરિકાએ ભારતની સ્પેશ્યલ ફ્લાઇટ્સને એન્ટ્રી આપવાની મનાઇ કરી દીધી છે. આ આદેશ 22 જુલાઇથી લાગૂ થશે. અમેરિકાનો આરોપ છે કે ભારત એવિએશન્સના કરારોને તોડી રહ્યું છે. તેણે કહ્યું કે કોરોના મહામારીમાં ભારતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરી નથી પરંતુ વંદે ભારત મિશન અંતર્ગત વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ શરૂ કરી દીધી છે અને ટિકિટ પણ વેચવામાં આવે છે.

સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ 20 જૂને કહ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય ઉડાનોને શરૂ કરવા અંગે વિચારણા કરી રહી છે. પરંતુ 26 જૂને DGCAએ જણાવ્યું હતું કે 15 જુલાઇ સુધી આંતરરાષ્ટ્રીય ઉડાનોને બંધ રાખવામા આવશે.