એર ઇન્ડિયાએ પાંચ દેશોની ફ્લાઇટ સર્વિસની સાથે ઓફિસ પણ બંધ કરશે, સતત નુકસાનીથી લોધો નિર્ણય

0
5

નવી દિલ્હી. સરકારી એરલાઈન એર ઇન્ડિયાએ પાંચ દેશોમાં પોતાની ફ્લાઈટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આ દેશોમાં ઓફિસ પણ બંધ કરી દેવામાં આવશે. સતત થઇ રહેલી નુકસાનીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દેશોમાં કોપનહેગન (ડેનમાર્ક), મિલાન (ઇટાલી), સ્ટોકહોમ (સ્વીડન), મેડ્રિડ (સ્પેન) અને વિઆના (પોર્ટુગલ)નો સમાવેશ થાય છે. કોરોના મહામારી આવી તે પહેલા આ પાંચ દેશો માટે ફ્લાઈટ્સ જતી હતી. ત્યાં કાર્યરત એર ઇન્ડિયાના કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે.

પેસેન્જર્સની સંખ્યામાં ઘટાડો થયો
મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે એર ઇન્ડિયાએ ઓછામાં ઓછા પાંચ યુરોપિયન સ્થળોએ ફ્લાઇટ્સ અટકાવવાનો નિર્ણય લીધો છે. આ પાછળનું કારણ આવકનું નુકસાન છે. કોરોના રોગચાળો અને લોકડાઉનને કારણે એરલાઇન ઉદ્યોગની હાલત કફોડી બની છે. હાલમાં, એરલાઇન ઉદ્યોગ જેમતેમ કરીને પોતાની રેવન્યુ કાઢવાનો પ્રયત્ન કરે છે. ઘરેલું ફ્લાઇટ્સ પણ ત્રીજા ભાગની ક્ષમતા સાથે કાર્યરત છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હજી પણ બંધ છે.

ઉદ્યોગને રિકવર થવામાં ઓછામાં ઓછા 4 વર્ષનો સમય લાગશે
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને (IATA) જુલાઈમાં અંદાજ લગાવ્યો હતો કે વૈશ્વિક સ્તરે પેસેન્જર ટ્રાફિકને કોરોના પહેલા સ્તરે પહોંચવામાં ઓછામાં ઓછા 4 વર્ષ લાગશે. એટલે કે, 2024 પહેલા મુસાફરોની સંખ્યામાં વધારો કરવો મુશ્કેલ છે. IATAએ કહ્યું કે 2020માં વૈશ્વિક પ્રવાસીઓની સંખ્યામાં 2019ની તુલનામાં 55%નો ઘટાડો થવાની સંભાવના છે.

એરલાઇન્સ પર લગભગ 70 હજાર કરોડનું મોટું દેવું છે
એર ઇન્ડિયા ગંભીર આર્થિક પડકારનો સામનો કરી રહી છે. એરલાઇન્સ પર લગભગ 70 હજાર કરોડનું મોટું દેવું છે. આવી સ્થિતિમાં, એરલાઇન સતત તેના ઓપરેશનલ ખર્ચને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં જ કંપનીએ તેના કર્મચારીઓને પાંચ વર્ષના પગાર વિના રજા પર મોકલવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, કંપનીએ કર્મચારીઓને અપાયેલા ભથ્થામાં 50% ઘટાડો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here