1 જૂનથી હવાઈ મુસાફરી મોંઘી થશે : સરકારે ન્યૂનતમ ભાડાંમાં 13-16%નો વધારો કર્યો

0
8

કેન્દ્ર સરકારે ઘરેલુ હવાઈ મુસાફરોને મોટો ઝટકો આપ્યો છે. સરકારે ન્યૂનતમ હવાઈ ભાડાંમાં 13%થી 16%નો વધારો કર્યો છે. જોકે મહત્તમ ભાડાંમાં એટલે કે ભાડાના ઉપલા સ્તરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી છે. નવું ભાડું 1 જૂન 2021થી લાગુ થશે.

એરલાઈન્સને રાહત મળશે

કોરોનાની પહેલી લહેરને કારણે દેશમાં હવાઈ મુસાફરી પર પ્રતિબંધ લગાવો પડ્યો હતો. ત્યાર બાદ સરકારે મે મહિનામાં હવાઈ મુસાફરીને મંજૂરી આપી હતી. જોકે સરકારે સંપૂર્ણ ક્ષમતાની સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી ન હતી. એ ઉપરાંત સરકારે ભાડાના ન્યૂનતમ અને મહત્તમ દરો પર મર્યાદા લાગુ કરી દીધી હતી. એનાથી એરલાઈન્સ પર ભારણ વધી ગયું હતું. કોરોનાની બીજી લહેરની સાથે હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. એ સિવાય DGCAના અનુસાર, 1 જૂનથી ફ્લાઈટ કંપનીઓ કોવિડ અગાઉ જેટલી ઉડાન ભરતી હતી એમાંથી માત્ર 50% ઉડાન ભરી શકશે. અત્યારે આ મર્યાદા 80% હતી. એનો અર્થ એ થયો કે ફ્લાઈટની સંખ્યા ઓછી કરીને ભાડામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

40 મિનિટની મુસાફરી માટે 300 રૂપિયા વધારે આપવા પડશે

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, હવે 40 મિનિટ સુધીની મુસાફરી માટે ઓછામાં ઓછા 2600 રૂપિયા ખર્ચ કરવા પડશે. અત્યારસુધીમાં 40 મિનિટની મુસાફરી માટે લઘુતમ ભાડું 2300 રૂપિયા હતું. હવે મુસાફરોને 40 મિનિટની મુસાફરી માટે 300 રૂપિયા વધારે ખર્ચ કરવા પડશે. એવી જ રીતે સમયગાળા પ્રમાણે લઘુતમ ભાડાના દરમાં વધારો કરવામાં આવ્યો છે. સૌથી લાંબા અંતર 180થી 210 મિનિટ સુધીની મુસાફરી માટે લઘુતમ ભાડામાં 1100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 180 મિનિટથી વધુની મુસાફરી માટે હવે મુસાફરોએ 7600ને બદલે ઓછામાં ઓછા 8700 રૂપિયા ખર્ચ કરવા પડશે.

વધારા બાદ નવું પ્રાઇસબેન્ડ

કેટેગરી -1: 40 મિનિટ સુધીની મુસાફરી માટે પ્રાઈસબેન્ડ 2600-7800 રૂપિયા છે.

કેટેગરી -2: 40-60 મિનિટ સુધીની મુસાફરી માટે પ્રાઇસબેન્ડ 3300-9800 રૂપિયા છે.

કેટેગરી -3: 60થી 90 મિનિટની મુસાફરી માટે પ્રાઇસબેન્ડ 4000-11700 રૂપિયા છે.

કેટેગરી-4: 90-120 મિનિટની મુસાફરી માટે પ્રાઈસબેન્ડ 4600થી 13000 રૂપિયા સુધી છે.

કેટેગરી-5: 120-150 મિનિટની મુસાફરી માટે પ્રાઇસબેન્ડ 6100થી 16900 રૂપિયા છે.

કેટેગરી-6: 150થી 160 મિનિટની મુસાફરી માટે પ્રાઈસબેન્ડ 7400થી 20400 રૂપિયા છે.

કેટેગરી-7ઃ 180થી 210 મિનિટની મુસાફરી માટે પ્રાઈસબેન્ડ 8700થી 24200 રૂપિયા છે.

ફેબ્રુઆરીમાં પ્રાઈસબેન્ડમાં 10-30%નો વધારો કરવામાં આવ્યો હતો

અગાઉ સરકારે ફેબ્રુઆરીમાં ફ્લાઈટનાં ભાડાંના પ્રાઈસબેન્ડમાં 10-30%નો વધારો કર્યો હતો. આ વખતે સરકારે ન્યૂનતમ પ્રાઈસબેન્ડમાં વધારો કર્યો છે. મહત્તમ પ્રાઈસબેન્ડમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ પ્રાઈસ ઈકોનોમી ક્લાસ માટે છે અને એમાં યુઝર ડેવલપમેન્ટ ફી, પેસેન્જર સિક્યોરિટી ફી અને GST સામેલ નથી. હાલમાં એરફેરને સાત કેટેગરીમાં વહેંચવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર 30 જૂન સુધી પ્રતિબંધ રહેશે

દેશ-વિદેશમાં કોરોનાની સ્થિતિને જોતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 30 જૂન સુધી પ્રતિબંધ રહેશે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)ની તાજેતરની નોટિફિકેશન અનુસાર, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર હવે 30 જૂન 2021 સુધી પ્રતિબંધ રહેશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તમામ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ અને DGCAની તરફથી મંજૂરી આપવામાં આવેલી ફ્લાઇટ્સ પર આ પ્રતિબંધ લાગુ નહીં રહે. એટલે કે કાર્ગો અને અન્ય મંજૂરીવાળી ફ્લાઇટ્સ પહેલાંની જેમ ચાલુ રહેશે.

લોકડાઉન બાદ ડોમેસ્ટિક ઓપરેશન 25 મેથી ખૂલ્યાં

કોરોના શરૂ થયા બાદ શિડ્યૂલ્ડ ડોમેસ્ટિક ઓપરેશન 25 માર્ચ 2020થી બંધ કરી દેવામાં આવ્યું હતું. 25 મેથી એને કેટલીક શરતોની સાથે ધીમેથી ખોલવાનું શરૂ કર્યું. હવાઈ ભાડાં પર ન્યૂનતમ અને મહત્તમ મર્યાદા લાદવામાં આવી હતી, જેથી એરલાઇન્સ વધુ ચાર્જ ન લે અને હવાઈ મુસાફરી ફક્ત જરૂરી કામ માટે કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here