ક્રિકેટ : અખ્તરે ટીમ ઇન્ડિયાના વખાણ કર્યા, કહ્યું- ભારતે સાબિત કરી દીધું કે આ રમતનું બોસ કોણ છે

0
16

સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે બાંગ્લાદેશ સામેની ટી-20 સીરિઝમાં ભારતીય ટીમના પ્રદર્શનના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે, ભારતે સાબિત કરી દીધું કે ક્રિકેટનું બોસ કોણ છે. અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલમાં સીરિઝ જીતવાનું શ્રેય રોહિતને આપ્યું હતું. તેમજ અંતિમ ટી-20માં નાખેલા સ્પેલ બદલ ફાસ્ટ બોલર દિપક ચહરના વખાણ કર્યા હતા. ભારતે નાગપુરમાં બાંગ્લાદેશને 30 રને હરાવ્યું હતું અને સીરિઝમાં 2-1થી પોતાના નામે કરી હતી.

અખ્તરે કહ્યું કે, ભારતે સાબિત કરી દીધું છે કે ક્રિકેટનું બોસ કોણ છે. પહેલા મેચમાં તેણે બાંગ્લાદેશને લોલીપોપ આપી અને તે હારી ગયા. પરંતુ પછી બંને મેચમાં શાનદાર પ્રદર્શન કરીને વાપસી કરી હતી. જીતનું શ્રેય રોહિત શર્માની બેટિંગને જાય છે. તે ઈચ્છે ત્યારે રન બનાવી શકે છે. રાહુલ પહેલા સ્ટ્રગલ કરી રહ્યો હતો, જોકે તેણે છેલ્લી મેચમાં 52 રન કર્યા હતા. જોકે બાંગ્લાદેશને પણ વખાણ થવા જોઈએ, મોહમ્મદ નઇમે સારું પ્રદર્શન કર્યું હતું.

ચહર મીડિયમ પેસ અને સીમનું યોગ્ય મિશ્રણ છે
ચહરના વખાણ કરતા અખ્તરે કહ્યું કે, “તે મીડિયમ પેસ અને સીમનું યોગ્ય મિશ્રણ છે. તેણે મેચમાં હેટ્રિક ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશ કોઈ સામાન્ય ટીમ નથી. તે 20 વર્ષ જૂની ટીમ નથી.” આ મેચમાં ચહરે હેટ્રિક ઝડપતા 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે ફોર્મેટનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તે ટી-20માં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર છે.