બેક ટૂ વર્ક : લૉકડાઉન બાદ વિદેશમાં શૂટ થનારી અક્ષય કુમારની ‘બેલબોટમ’ પહેલી ફિલ્મ, આવતા મહિને ઈંગ્લેન્ડમાં શૂટિંગ કરવામાં આવશે

0
0

મુંબઈ. ભારતમાં તથા વિશ્વના અન્ય દેશોમાં લૉકડાઉન હવે ધીમે ધીમે ખુલી રહ્યું છે. બોલિવૂડ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન, ટીવી શોના શૂટિંગ હવે શરૂ થઈ ગયા છે. ફિલ્મનું શૂટિંગ પણ હવે શરૂ થશે. અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં પોતાની આગામી ફિલ્મ ‘બેલબોટમ’નું શૂટિંગ શરૂ કરવાની વાત કહી હતી. કોરોનાવાઈરસને કારણે માર્ચ મહિનાથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી બંધ હતી. લૉકડાઉન બાદ વિદેશમાં શૂટ થનારી અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મનું આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં યુકેમાં શૂટિંગ શરૂ થશે.

આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે

‘બેલબોટમ’ સ્પાય થ્રિલર છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ વાણી કપૂર છે. ફિલ્મમાં હુમા કુરૈશી તથા લારા દત્તા પણ જોવા મળશે. ફિલ્મને ડિરેક્ટર રંજીત એમ તિવારી ડિરેક્ટ કરશે જ્યારે વાસુ ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા અડવાણી, મધુ ભોજવાણી, નિખિલ અડવાણી તથા જેકી ભગવાની પ્રોડ્યૂસર છે. ફિલ્મ આવતા વર્ષે બીજી એપ્રિલ, 2021ના રોજ રિલીઝ થશે.

અક્ષયની ‘લક્ષ્મી બોમ્બ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’ આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, લૉકડાઉનને કારણે હજી સુધી થિયેટર બંધ જ છે. આથી જ હવે આ ફિલ્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે. હજી સુધી કયા દિવસે આ ફિલ્મ આવશે, તેની જાહેરાત કરવામાં આવી નથી. અક્ષય કુમાર તથા રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ દિવાળી પર રિલીઝ થશે. આમ તો દિવાળી પર અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ ચૌહાણ’ રિલીઝ થવાની હતી. જોકે, આ ફિલ્મનું શૂટિંગ હજી સુધી બાકી છે. હવે, આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા છે.

31 જુલાઈ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર બૅન

કોરોનાને કારણે ભારતમાં 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર બૅન છે. ચાર જુલાઈના રોજ આ પ્રતિબંધ 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધની અસર આંતરરાષ્ટ્રીય કાર્ગા ફ્લાઈટ્સ તથા ખાસ વિમાનો પર પડશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here