ગર્ભધારણ કરવા માટે ખોરાકની સાથે સાથે ટેવ પણ બદલવી જરૂરી

0
18

એક સમય એવો હતો કે મહિલાઓ માટે ગર્ભધારણ કરવો એ સમસ્યા હતી જ નહીં. એ સહજ, સ્વાભાવિક ઘટના હતી. લગ્ન થાય એટલે એક-દોઢ વર્ષમાં મહિલા માતા બને એ સામાન્ય ઘટના હતી. આજે એવું નથી રહ્યું. લગ્ન પછી પાંચ-સાત વર્ષે પણ ગર્ભધારણ ન થાય અને મહિલા માતૃત્વથી વંચિત રહી જાય એવું મોટાભાગની મહિલાઓમાં જોવા મળે છે. પ્રજનનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે પૌષ્ટિક આહાર અને ફાઈબરયુક્ત ખોરાક લેવો જોઈએ એની આપણે ગયા અઠવાડિયે વાત કરી. હવે એ વિશે આગળ…

મનની હળવાશ અત્યંત જરૂરી

ગર્ભધારણ કરવા માગતી મહિલાઓ માટે મહત્ત્વનું છે કે એ મનથી હળવાશમાં રહે. મનથી હળવાશમાં રહેવા માટે હરિવંશરાય બચ્ચનની કવિતાની એક પંક્તિને મહાભારતમાં અર્જૂનને અપાયેલો શ્રીકૃષ્ણનો આદેશ માનીને અપનાવી લેવાની જરૂર છે. પંક્તિ છેઃ યદિ મન કા હો તો અચ્છા હૈ, મન કા ન હો તો ઔર ભી અચ્છા હૈ!

મનનું થવું એટલે આપણી ઈચ્છા, આપણી અપેક્ષા, આપણી કલ્પના પ્રમાણેનું કામ થવું. જો એમ થાય તો આપણને સારું જ લાગે છે, પરંતુ જો આપણી ઈચ્છા, અપેક્ષા, કલ્પના પ્રમાણે ન થાય તો? આપણે મનમાં ધૂંધવાઈએ છીએ. ખીજાઈએ છીએ, ઉશ્કેરાઈએ છીએ. આ બધી નકારાત્મક લાગણીઓ છે. એ આપણા શરીરના સર્વાંગી સ્વાસ્થ્યને જોરદાર હાનિ કરે છે. એના કારણે ઊંઘ બગડે છે, પાચન બગડે છે અને આ બે આધાર બગડતાં બાકીનું શરીર પણ બગડવા લાગે છે. એટલે જ હરિવંશરાય બચ્ચને કહ્યું છે કે તમારી ઈચ્છા, અપેક્ષા, કલ્પના પ્રમાણે ન થાય તો માનો કે એ વધારે સારું છે, કારણ કે એ તમારી નહીં ઈશ્વર, ભગવાન, સર્જનહારની ઇચ્છા પ્રમાણે થયં છે. માટે એ સારું જ પરિણામ આપશે.

જો એક વખત મનમાં આ વાત પાકા પાયે નિરૂપી શકાય તો જીવન સરળ બની જાય છે. કોઈ તાણ, ધૂંધવાટ રહેતાં નથી. મન નિરાંતમાં રહેવા લાગે એટલે થોડા જ વખ તમાં એટલે તમારું આરોગ્ય આપોઆપ સુધરી જાય છે અને જીવનની ૮૦ ટકા સમસ્યા આપોઆપ ઉકલી જાય છે. એક કહેવત એવી છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા! મનમાં હળવાશ હોય તો તમારી પાસેની દરેક વસ્તુ પવિત્ર, શ્રેષ્ઠ ફળ આપનાર બની જાય છે. પછી ક્યારે ગર્ભધારણ થઈ ગયો એ જાણીને આશ્ચર્ય થશે.

રોજના ખોરાકમાં મીઠું અને ખાંડનું સેવન ઓછું કરો

જીવનના ઘટનાક્રમ વિશે હળવાશ કેળવી લીધા પછી અને ભોજનમાં પૌષ્ટિક વાનગીઓને પ્રાધાન્ય આપ્યા પછી તમારા રોજના ખોરાકમાં મીઠું અને ખાંડ સાવ ઓછાં કરી દો. યાદ રહે, સાવ બંધ નથી કરવાના, માત્ર સાવ ઓછાં કરવાનાં છે. વધારે પડતું મીઠું અને ખાંડ ખાતા હોવ અને ભારે ટેન્શનમાં રહો તો ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર થવાની શક્યતાઓ સર્જાય છે. આ બંને રોગ તમારી ગર્ભધારણની શક્યતા ઓછી કરે છે અને ગર્ભ માનો કે રહી જાય તો પણ ગર્ભમાં ઘડાતા બાળકમાં કોઈક જાતની ગરબડ સર્જી શકે છે.

બંધાણ કરાવતી કુટેવો છોડો

મહિલાઓ પહેલાંના સમયમાં તમાકુ કે આલ્કોહોલનું સેવન કરવામાં ખાસ રસ લેતી નહોતી, પરંતુ આધુનિકતાના અંચળા હેઠળ અને વિકાસના ભ્રામક ખ્યાલના નશામાં મહિલાઓ હવે સિગારેટ પીતી થઈ છે અને બિયર કે વાઈન પણ પીવા લાગે છે. આ બંને વસ્તુઓ મહિલાના માસિક હોર્મોનલ ચક્રને જબરજસ્ત નુકસાન કરે છે. એના કારણે એવી મહિલાઓના માસિકચક્રમાં ગરબડ થાય છે અને ગર્ભાધાનમાં તો પારાવાર મુશ્કેલી સર્જાય છે. જેનેટિક વારસો સારો હોય અને સરળતાથી ગર્ભાધાન થઈ જાય તો પણ કૂખમાં ઘડાતા બાળકમાં કોઈક ને કોઈક ખામી જરૂર સર્જાય છે. માટે સિગારેટ પીવાનું બંધ કરો.

દારૂથી પણ અંતર જાળવો. આલ્કોહોલનું કોઈપણ રૂપે સેવન કરવાથી પુરુષોને જેટલી હાનિ થાય છે એનાથી દસગણી હાનિ મહિલાઓને વધારે થાય છે. એમાં માતા બનવાની ક્ષમતાનો નાશ સૌથી પહેલી હાનિ હોય છે. માટે ગર્ભધારણ કરવું હોય કે ગર્ભધારણ કર્યું હોય તો દારૂ, વાઈન, બિયર કોઈપણ રૂપે આલ્કોહોલ ન જ લો.

ટૂંકમાં કોઈપણ જાતનું વ્યસન તમારા મગજમાં ગરબડ કરીને તમને નકલી આનંદ આપતું હોય છે. તમારા મગજમાં ગરબડ કરનાર પદાર્થો ગર્ભમાં ઘડાઈ રહેલા બાળકના ઘડતરની કુદરતી પ્રક્રિયામાં તમારૂં ધ્યાન કેન્દ્રિત થવા દેતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here