કોંગ્રેસ સાથે છેડો ફાડનારા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કર્યા બાદ ધારાસભ્ય પદેથી પણ આલ્પેશ ઠાકોરે રાજીનામુ આપ્યું હતું. તો આલ્પેશ ઠાકોરની સાથે જ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. જે બાદ આલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ તેવી અટકળોએ વેગ પકડ્યો છે.
બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ બાદ રાજીનામું સોંપી ચૂકેલા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાધનપુર, સાંતલપુર અને સમીનાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ અલ્પેશ ઠાકોરના રાજીનામાને લઇને વિરોધ પ્રદર્શન કર્યો હતો. કાર્યકર્તાઓનું કહેવું છે કે અલ્પેશ ઠાકોરે રાધનપુર વિધાનસભાનાં મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે. અલ્પેશ વિરોધી બેનરો સાથે તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો. માાત્ર એટલું જ નહીં આક્રમક બનેલા કાર્યકર્તાઓએ અલ્પેશનાં પૂતળાનું દહન પણ કર્યું હતું. ભીડે જ્યારે આકરું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે અંતે પોલીસને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી. જેના ભાગરૂપે પોલીસે કોંગ્રેસનાં કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વિરોધની સમગ્ર ઘટનાથી રાજકીય ગરમાવો જોવામા આવી રહ્યો છે.