સરકારી ક્લર્ક હોવા છતાં ના. મુખ્યમંત્રીને ફોન કરી ભાંડનારા ગોપાલ ઈટાલિયા એક સમયે હાર્દિકના ખાસંખાસ હતા

0
14

ગુજરાતમાં પાટીદાર આંદોલન ચાલતું હતું એ જ સમયગાળામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને ફોન કરીને સરકારી કર્મચારી હોવા છતાં ભાંડનાર એક યુવાનની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. ફોન કરીને ભાંડનાર આ યુવાન બીજું કોઈ નહીં, પણ પાટીદાર આંદોલનનો હિસ્સો રહેલા ગોપાલ ઈટાલિયા હતા. હવે આ જ ગોપાલ ઈટાલિયા દિલ્હી પર રાજ કરતી આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાતના પ્રમુખ બન્યા છે. કોરોનાકાળમાં ગુજરાતના આપના ઉપાધ્યક્ષ બન્યા બાદ ગણતરીના મહિનામાં જ આપના પ્રદેશપ્રમુખ બની ગયા છે. ઈટાલિયાને આગળ કરીને આપ યુવાનોને ખેંચવા માટે સક્રિય બન્યું છે.

ઈટાલિયા કેજરીવાલના દિલ્હી મોડલથી આકર્ષાઈ આપમાં જોડાયા…
31 વર્ષીય યુવાન ગયા જૂન મહિનામાં જ અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડલથી આકર્ષાઈ અને આપનું ઝાડું પોતાના હાથમાં લીધું હતું. આપમાં જોડાતાંની સાથે જ તેમને ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. 6 મહિનામાં જ ઉપાધ્યક્ષમાંથી પ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે. આપમાં જોડાયા ત્યારે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.

ગોપાલ ઈટાલિયા કોણ છે?
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામનો વતની એવા 31 વર્ષીય ગોપાલ ઈટાલિયાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક કર્યું છે. ગોપાલ ઈટાલિયાએ બે વાર સરકારી નોકરીઓ છોડીને બેરોજગાર યુવાનોના હક માટે તેમજ નાગરિકોને મળતા હકો માટે લડત ચલાવી છે.

ગોપાલે 2 વાર સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી…
ગોપાલ ઇટાલિયા અગાઉ પોલીસ-કોન્સ્ટેબલના નામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને ઓડિયો વાઈરલ કર્યો હતો. ગોપાલ 2012માં ગુજરાત પોલીસમાં જોડાયા હતા અને માધુપુરા પોલીસ સ્ટેશનમાં સર્વિસ કરી હતી. 4 વર્ષ પોલીસમાં રહ્યા બાદ રાજીનામું આપ્યું હતું અને 2015માં મહેસૂલી ક્લર્ક તરીકે અમદાવાદ કલેક્ટર કચેરીમાં જોડાયા હતા, પરંતુ પાટીદાર આંદોલન, ભ્રષ્ટાચાર, શોષણ જેવાં કારણોસર 2017માં નોકરી છોડી દીધી હતી. ત્યાર બાદ લોકોને જાગ્રત કરવા અને સંવિધાન તથા કાયદાની સમજ આપવા માટે લોકોને સોશિયલ મીડિયા અને રૂબરૂ મુલાકાત કરીને પ્રયાસો કર્યા હતા.

દારૂબંધી હાય..હાયના નારા સાથે પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું…
અમરેલીના દલિત સરપંચ હત્યાના મામલે મીડિયા સમક્ષ નિવેદન આપવા વિધાનસભાના સંકુલમાં આવેલા પ્રદીપસિંહ જાડેજાએ હજુ તો બોલવાનું શરૂ કર્યું કે તરત જ દારૂબંધી હાય..હાય, ભ્રષ્ટાચાર હાય..હાયના નારા સાથે ગોપાલ ઈટાલિયા નામના એક ફિક્સ પગારદારે એક પછી એક એમ બે વખત પ્રદીપસિંહ પર જૂતાના ઘા કર્યા. યુવાન પ્રદીપસિંહથી સાતથી આઠ ફૂટ જેટલો નજીક પહોંચી ગયો હતો. બે ઘડી માટે સ્તબ્ધ થઈ ગયેલા પ્રદીપસિંહ સ્વસ્થ થઈને જાતે ગોપાલને પકડવા બે પગલાં ચાલ્યા, એ દરમિયાન સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો. તેમ છતાં ગોપાલે સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. ગોપાલ સામે આઇપીસી કલમ 332, 337, 352, 353, 355, 447 તથા કલમ 120(બી હેઠળ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.પ્લાસ્ટિકની પાઈપમાં ભૂંડ ભગાડવા માટે દેશી જુગાડ કરીને બનાવેલા ભડાકા કરતા મશીન સાથે ઈટાલિયાની ફાઈલ તસવીર.

આર્મ્ડ એક્ટના ગુનામાં ધરપકડ થઈ હતી…
ગોપાલ ઈટાલિયાની આર્મ્સ એક્ટના ગુનામાં 20 19ના જાન્યુઆરીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી આણંદની વલ્લભવિદ્યાનગર પોલીસે ધરપકડ કરી હતી. આંદોલન સમયે તેના મેસેજવાળો વિડિયો આગની જેમ વાઈરલ થયો હતો. ‘ભાજપના ભૂંડ સમજી જજો, નહીંતર…’ એવા વિવાદાસ્પદ વિડિયોમાં ધડાકા કરી ભાજપ સરકાર વિરુદ્ધ આગ ઓકનારા ગોપાલ ઈટાલિયાની વિદ્યાનગર પોલીસે સુરત ખાતેથી આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરી હતી. વિદ્યાનગરના ભાજપ યુવા મોરચાના કાર્યકરે ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here