આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેમને સોમવારના રોજ વક્ફ બોર્ડ સાથે સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB)એ સોમવારના રોજ AAPના સાંસદને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા હતા. સ્પેશિયલ જજ વિકાસ ઢુલે આદેશ પસાર કર્યો હતો અને મંગળવારના રોજ ખાનની જામીન ઉપર સુનાવણી નક્કી કરી હતી. આ અગાઉ 21 સપ્ટેમ્બરના રોજ અદાલતે અમાનતુલ્લા ખાનની કસ્ટડીને 5 દિવસ માટે લંબાવી દીધી હતી.
તમને જણાવી દઈએ કે, ACBએ 16 સપ્ટેમ્બરના રોજ ઓખલા વિધાનસભા સીટના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઠેકાણાઓ ઉપર દરોડા પાડ્યા બાદ તેમની ધરપકડ કરી હતી. તેમને વક્ફ બોર્ડના મેનેજમેન્ટમાં ગેરકાયદેસર નિમણૂકો અને નાણાકીય ગેરરીતિ કરવાના કેસમાં તેમની કથિત સંડોવણી માટે ધરપકડ કરવામાં આવી હતી. FIR પ્રમાણે, તેમણે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે તેમણે તમામ નિયમો અને સરકારી માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે 32 લોકોની ભર્તી કરી હતી.
દિલ્હી વક્ફ બોર્ડના વર્તમાન CEOએ સ્પષ્ટ રીતે એક નિવેદન આપ્યું હતું અને આ પ્રકારની ગેરકાયદેસર ભરતી સામે એક મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું. આ સિવાય તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમણે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપો વચ્ચે વક્ફ બોર્ડની અનેક મિલકેતોને ગેરકાયદેસર રીતે લીઝ ઉપર આપી દીધી હતી. આ ઉપરાંત તેમણે વક્ફ બોર્ડના ભંડોળનો દુરૂપયોગ કર્યો હતો જેમાં દિલ્હી સરકાર પાસેથી પ્રાપ્ત અનુદાનનો પણ સમાવેશ થાય છે. ACBએ AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે અને તેમના નજીકના મિત્રોના ઠેકાણાઓ ઉપર દરોડા પાડ્યા હતા. ACBની ટીમને ત્યાંથી 24 લાખ રૂપિયા રોકડ અને બે લાયસન્સ વગરના બે હથિયાર મળી આવ્યા હતા. અમાનતુલ્લા ખાન દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ છે. ACB દિલ્હી વક્ફ બોર્ડની ભરતીમાં કથિત ગરબડોની તપાસ કરી રહી છે.