વડોદરા: અમરનાથ યાત્રા દરમિયાન 4 દિવસના સમયગાળામાં વડોદરાના બે યાત્રાળુના મોત નીપજ્યા હતા. જે પૈકી 26મી જૂને અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરાના યુવાન અંકિત ચોકસી(40)નું અમરનાથ દર્શન કરીને પરત ફરતા સમયે રસ્તામાં પડી ગયા બાદ મોત નીપજ્યું હતું. અને વડોદરાના તરસાલીમાં રહેતા રસીકભાઈ પટેલ(62) નામનું અમરનાથ યાત્રાળુનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. રસિકભાઇ પટેલના મૃતદેહને હવાઇ માર્ગે વડોદરા લાવવામાં આવશે.
છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સારવાર દરમિયાન તેમનું મોત
રસીકભાઈ પટેલ મંગળવારના રોજ અમરનાથ બાબાના દર્શન કર્યા બાદ પરત ફરતી વખતે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. સ્થાનિક તંત્ર દ્વારા તેમના મૃતદેહને હેલીકોપ્ટર દ્વારા જમ્મુ-કાશ્મીર લાવવામાં આવ્યો હતો. જ્યાંથી હવાઈ માર્ગે રસીકભાઈના પાર્થિવ દેહને વડોદરા મોકલવામાં આવશે.
30 જૂને ટ્રાવેલ્સની બસમાં અમરનાથ યાત્રા માટે નીકળ્યાં હતા
તરસાલીની કપીલેશ્વર સોસાયટીમાં રહેતા કાર્તીકભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા પિતા રસીકભાઈ પટેલ અને માતા પ્રતિમાબેન પટેલ પહેલી વખત સોસાયટીના 7 સભ્યો સાથે મળીને 30 જૂનના રોજ ટ્રાવેલ્સની બસમાં અમરનાથ યાત્રા માટે નીકળ્યાં હતાં. મંગળવારે સવારે તેમને અમરનાથ બાબાના દર્શન થઈ ગયા હતા. દર્શન કરીને તેઓ અમરનાથ ગુફાથી પરત આવી રહ્યાં હતાં, ત્યારે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. આ સમયે તેમની સાથેના અંબુભાઈએ તાત્કાલિક ડોક્ટરને બોલાવીને તેમને સારવાર આપી હતી. જોકે થોડી વાર બાદ તેમને ફરીથી છાતીમાં દુખાવો થતા તેમનું અવસાન થયું હતું.