અંબાજી : એસ.ટી.બસો ના આયોજન અંગે બેઠક યોજાઇ, ભાદરવી મહામેળા માં ૧૧૦૦ એસ.ટી.બસો મુકાશે

0
87
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે યોજાનાર ભાદરવી  પૂનમના મહામેળા ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તા. ૮ થી ૧૪ સપ્‍ટેમ્બર-૨૦૧૯ દરમ્યાન યોજાનાર આ મહામેળામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૧૦૦ એસ. ટી. બસો મુકવામાં આવશે તેમ નિગમના જનરલ મેનેજર(ઓપરેશન) શ્રી નિખિલ બર્વેએ અંબાજી ખાતે એસ.ટી.બસોના આયોજન અંગેની બેઠકમાં જણાવ્યું હતું. શ્રી બર્વેના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે યોજાયેલ બેઠકમાં પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગના વિભાગીય નિયામકશ્રીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં કરાયેલ આયોજનની સમીક્ષા અને ચર્ચા વિચારણ કરી જનરલ મેનેજર(ઓપરેશન) શ્રી નિખિલ બર્વે અને સીટીસીએમ શ્રી એન. એસ. પટેલે ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી.
જનરલ મેનેજર(ઓપરેશન) શ્રી નિખિલ બર્વેએ અધિકારીઓને જણાવ્યું કે, મેળા પ્રસંગે એસ.ટી.નિગમ દ્વારા કરાયેલ આયોજનની જાણકારી વિશાળ સંખ્યામાં યાત્રિકો સુધી પહોંચે તે માટે પુરતો પ્રચાર-પ્રસાર થાય તેની પણ કાળજી રાખીએ. તેમણે કહ્યું કે, મેળા પ્રસંગે ભક્તિભાવથી અંબાજી આવતા લાખો યાત્રિકોને સલામત રીતે અને સરળતાથી મુસાફરીની સગવડ મળે તે માટે સંગીન આયોજન અને સેવાભાવથી કામગીરી કરીએ. શ્રી બર્વેએ કહ્યું કે, મેળા પ્રસંગે સંભવિત વરસાદ થાય તો તે સમયે પણ યાત્રિકોને કોઇ તકલીફ ન પડે તેવું આયોજન અને વ્યવસ્થા ગોઠવીએ. નિગમના અધિકારીઓએ પરસ્પર સંકલનમાં રહી કામગીરી કરવી પણ જરૂરી છે એમ તેમણે કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગો દ્વારા યાત્રિકોની સુવિધા માટે પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. જેના ભાગરૂપે ગત વર્ષે એસ. ટી. નિગમે દૈનિક શિડ્યુલ સંચાલન ઉપરાંત વધારાની
૧૦૦૦ બસો દ્વારા ૧૨,૫૦,૨૬૬ મુસાફરોને સુવિધા પુરી પાડી હતી. સમગ્ર મેળા દરમ્યાન એસ.ટી. નિગમની સુપરવીઝનની કામગીરી બનાસકાંઠા જિલ્લાના વિભાગીય નિયામકશ્રી જે. એચ. સોલંકી સંભાળશે.
[1] અંબાજીથી દાંતા તરફ જવા માટે હોટલ આસોપાલવની બાજુમાં અને દાંતાથી અંબાજી તરફ જવા માટે રાવણ ટેકરી સ્ટેન્ડ ઉપરથી (વાયા ત્રિશુળયા ઘાટ) બસ સુવિધા મળશે.
[2] મેળા દરમ્યાન અમદાવાદ જવા માટે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડથી બસ મળશે
ભાદરવી પૂનમના મહામેળા દરમ્યાન અમદાવાદ તરફ જવા માટે અંબાજી માતાના મંદિરના પાછળના ભાગે આવેલ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ઉપરથી એકસ્ટ્રા બસો મળશે. તેવી જ રીતે હિંમતનગર- ઇડર- ખેડબ્રહ્મા- મોડાસા- પ્રાંતિજ –ભીલોડા- શામળાજી- નડિયાદ તરફ અને ઉંઝા-મહેસાણા- પાટણ- ચાણસ્મા- કલોલ- ખેરાલુ- વિસનગર-વડનગર- બેચરાજી તરફ જવા માટે પણ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડથી બસો મળશે.
[3] ડીસા-સિધ્ધપુર, પાલનપુર-આબુરોડ જવા માટે જુના આર.ટી.ઓ. ત્રણ રસ્તાથી બસ મળશે
મેળા દરમ્યાન ડીસા-સિધ્ધપુર,પાલનપુર-આબુરોડ અને અંબાજીથી ગબ્બર જવા માટે અંબાજી ખાતે જૂના આર.ટી.ઓ. ત્રણ રસ્તાથી આબુરોડ તરફના રસ્તા ઉપરથી બસો મળશે. રોજીંદા શિડ્યુલ બસોનું સંચાલન જી.એમ.ડી.સી. કોર્નર ઉપરથી બસ સુવિધા મળશે.
[4] વોટસ અપ નંબર ૬૩૫૯૯૧૮૬૮૭ ઉપરથી બસના રૂટની માહિતી મળશે.
અંબાજી ખાતે યાત્રિકોને અંબાજી આવવા-જવા માટે એસ.ટી.ની પ્રાથમિક માહિતી મેળવવા માટે વોટસ અપ નંબર ૬૩૫૯૯૧૮૬૮૭ ઉપરના વોટસ અપ ગૃપમાં જોડાઇને બસના રૂટ અંગેની માહિતી મેળવી શકાશે. આ ગૃપમાં જોડાવા એસ.ટી. નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર : ગીરીશ જોશી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here