બનાસકાંઠા : ભાદરવી મહામેળા પ્રસંગે અંબાજી ચાલતા- પદયાત્રા ધ્વારા જવાનો ખાસ મહિમા

0
104
પવિત્ર અને પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રધ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. દૂરદૂરથી પદયાત્રા ધ્વારા અંબાજી પહોંચેલ લાખો માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે. રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ ગરબાની રમઝટ જોવા મળે છે. માતાજીના આ પવિત્ર અને દિવ્ય પ્રસંગમાં ઘણા માઇભક્તો ગરબામાં જોડાઇ જાય છે અને ગરબા રમીને માતાજીની આરાધના કરે છે.
અંબાજી મુકામે મીની મહાકુંભના દર્શન સમાન માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોની પધરામણીથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત-દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ-સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે.
કલેકટરશ્રી સંદીપ સાગલે મેળાની પરિસ્થિતિ અને વિશેષ તો યાત્રિકોની સુવિધાઓ પર ઝીણવટભરી સતત કાળજી અને વોચ રાખી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સેવાભાવ સાથે ખડેપગે સેવામાં રહે છે. લાખો યાત્રિકો અંબાજીમાં સરસ સ્વચ્છતા જોઇને જિલ્લા વહીવટીતંત્રની કામગીરીની સરાહના કરી રહ્યાં છે. દર્શન માટે અંબાજી મંદિર પરિસરમાં સારી વ્યવસ્થા હોવાથી યાત્રિકોની લાંબી લાઇનો છતાં કોઇને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતુ નથી. પ્રસાદ કેન્દ્રો પણ પુરતી સંખ્યામાં હોવાથી યાત્રિકોને કોઇ તકલીફ પડતી નથી.
ભાદરવી મહામેળામાં લોકો અંબાજી ચાલતા કેમ જાય છે.
ભાદરવી મહામેળા પ્રસંગે અંબાજી ચાલતા- પદયાત્રા ધ્વારા જવાનો ખાસ મહિમા છે. આધશક્તિ મા અંબે શક્તિ સ્વરૂપ હોવાથી ચાલીને, કષ્‍ટ વેઠતા અંબાજી જવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે તેવી પણ માન્યતા છે. ઉપરાંત ભાદરવી મહામેળા પછી આસો માસમાં નવરાત્રિ આવે છે. આથી નવરાત્રિમાં પોતાના ગામની માંડવડીમાં રમવા પધારવા માતાજીને આમંત્રણ આપવા માઇભક્તો ચાલતા અંબાજી આવે છે.
મા એ સુપડુ ભરીને જવ આપ્‍યા રે માવડી…….
અંબાજી તીર્થસ્થાન બહુ પ્રાચીન સમયથી હોવાનો પુરાણો અને ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે. સીતાજીને શોધતા ભગવાન શ્રીરામ અને લક્ષ્‍મણ પણ માતાજીના સ્થાનકે આવ્યા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. શ્રીકૃષ્‍ણનું ચૌલકર્મ પણ અંબાજીમાં થયાની માન્યતા છે. પાંડવો પણ વનવાસ દરમ્યાન અંબાજી નજીક કોટેશ્વરમાં રોકાયા હોવાનું કહેવાય છે.
બહુ પ્રાચીન અને પુરાણા યાત્રાધામ અંબાજી વિશે ધર્મગ્રંથો અને પુરાણોમાં વિસ્તૃત ઉલ્લેખ છે. તેમજ ઘણી લોકકથાઓ, માન્યતાઓ પણ છે.
એવુ કહેવાય છે કે સદીઓ પહેલાં ગબ્બર વિસ્તારમાં એક રબારી ગાયો ચરાવવા જાય ત્યારે એક ગાય બહારથી આવી તેની ગાયોમાં સામેલ થઇ જતી અને સાંજે પાછી જતી રહેતી. એક દિવસ રબારી ને વિચાર આવ્યો કે ગાયની ચરાઇ લેવા જવુ છે. આથી તે ગાયની પાછળ પાછળ ચાલ્યો, ઘણું ચાલ્યા પછી એક વિશાળ મહેલ આવ્યો તેમાં એક સ્ત્રી હિંચકા ઉપર ઝુલતાં હતાં. તેમણે  રબારીને ચરાઇ પેટે સુપડુ ભરીને જવ આપ્‍યા.
વિશાળ ભવ્ય મહેલ અને તેમાં સોનાના હિંચકા ઉપર ઝુલતી સ્વરૂપવાન દિવ્ય તેજસ્વી સ્ત્રીને જોઇને ચરાઇ વધારે મળશે તેવી રબારીને લાલચ થઇ હતી. તેણે સુપડુ ભરીને આપેલા જવ તો લઇ લીધા પણ રસ્તામાં તેણે ગુસ્સામાં પોટલામાં બાંધેલા જવ ફેંકી દીધા. રબારીએ ઘેર આવીને તેની પત્નીને વાત કરી અને જોયુ તો કપડાંમાં જવ બાંધ્યા હતા. તેમાં બે ત્રણ હીરા ચોંટેલા હતા.
રબારીને તેની ભુલનું ભાન થયું. પછી રબારી અને તેની પત્ની એ મહેલને શોધવા નિકળ્યાં ઘણા દિવસો સુધી તેઓ રખડ્યાં પણ ક્યાંય મહેલ કે એ જગ્યા ના મળી. થાકેલા રબારી પતિ-પત્ની ડુંગરામાં રડવા માંડ્યા કે હે મા……અમને દર્શન આપો. ત્યારે માતાજીએ પ્રગટ થઇ દર્શન આપ્‍યાની માન્યતા છે.
આજે પણ ગરબામાં ગવાય છે કે, મા એ સુપડુ ભરીને જવ આપ્‍યા રે માવડી…….
ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠોના દર્શનનો ખાસ મહિમા
માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન ગબ્બર હોવાની માન્યતા છે. અંબાજી આવતા યાત્રિકો પૈકી ઘણા યાત્રિકો નિયમિત ગબ્બર દર્શન કરવા જાય છે.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી ગબ્બર ખાતે માતાજીના તમામ સ્વરૂપો સમાન ૫૧ શક્તિપીઠોનાં મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શક્તિપીઠોના અસલ મંદિરો જેવા જ મંદિરો ગબ્બર પરિક્રમા પથ ઉપર બનાવાયા છે. તેમજ અસલ મંદિરોમાં જેવી પૂજા  થાય છે તેવી જ પૂજા અહીં પણ થાય છે.
સામાન્ય રીતે કોઇ માણસને તેના જીવનમાં તમામ શક્તિપીઠોનાં દર્શન થાય તે કામ બહુ કપરૂ છે. કારણ કે દેશ, વિદેશમાં આવેલ તમામ શક્તિપીઠોના દર્શન કરવાનું દરેક માટે શક્ય નથી. પરંતુ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠોના મંદિરોનું નિર્માણ થતાં યાત્રિકો અહીં દર્શન કરી ધન્ય બને છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા ગબ્બર ઉપર અને શક્તિપીઠોમાં તમામ સ્થળોએ સારી સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શરૂ કરાવેલ માતૃમિલન પ્રોજેકટ ઘણા પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યો 
અંબાજી મહામેળામાં વિખુટા પડેલ બાળકોને પરિવાર સાથે મિલન કરાવવા ખાસ વ્યવસ્થાઃ ૧૨૫ બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું
અંબાજી મેળામા લાખો યાત્રિકો આવે છે. ઘણા યાત્રિકો સપરિવાર પણ આવે છે. મહામેળામાં કોઇ બાળક ખોવાઇ જાય તો તેને તેના પરિવાર સાથે મિલન કરાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળામાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળાના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શરૂ કરાવેલ માતૃમિલન પ્રોજેકટ ઘણા પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યો છે.
બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડો. એન. વી. મેણાતના જણાવ્યા પ્રમાણે અંબાજીમાં પ્રવેશવાના તમામ રસ્તાઓના પ્રવેશદ્વારો ઉપર જ વોડાફોન કંપનીના સ્ટોલ ઉભા કરીને બાળકના અને વાલીના નામ-સરનામા, સંપર્ક નંબર વગેરે વિગતોનું રજીસ્ટ્રેશન કરીને RFID કોડવાળુ આઇકાર્ડ ઇસ્યુ કરી બાળકના ગળામાં પહેરાવવામાં આવે છે. આવુ કાર્ડ પહેરેલ બાળક મહામેળામાં તેના પરિવારથી વિખુટુ પડી જાય તો તાત્કાલીક બાળકના વાલીના રજીસ્ટર કરેલ સંપર્ક નંબર ઉપર સંપર્ક કરવામાં આવે છે. જેનાથી બાળકને ઝડપથી તેના પરિવાર સાથે મિલન કરાવી શકાય છે.
 પરિવારથી વિખુટુ પડેલ બાળક મળી આવે કે તરત જ તેના પરિવારના સંપર્ક માટે ઝડપી પ્રયાસો કરવામાં આવે છે. અંબાજી ખાતેના કંટ્રોલરૂમ ઉપરથી માઇક ઉપર જાહેરાત કરવામાં આવે છે. ૩ કલાક સુધી બાળકના વાલી ન મળી આવે તો બાળકને સાચવવા એ.સી.રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકોની સહાયતા માટે ૨૪ કલાક હેલ્પ સ્ટોર કાર્યરત છે.
જિલ્લા બાળક સુરક્ષા અધિકારીશ્રી ર્ડા. એન.વી.મેણાતે આપેલ માહિતી અનુસાર તા.૧૨-૯-૨૦૧૯, બપોરે-૧૨-૩૦ વાગ્યા સુધીમાં પરિવારથી વિખુટા પડેલ કુલ-૧૨૫ બાળકો મળી આવ્યા હતાં. જે તમામનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. અત્યાર સુધીમાં ૫,૭૪૫ બાળકોને RFID આઇકાર્ડ આપવામાં આવ્યા છે.
અંબાજી મહામેળામાં કરાયેલ સુવિધાઓની પદયાત્રિકોએ પ્રશંસા કરી
અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે દૂરદૂરથી લાખો લોકો અંબાજી આવી માતાજીના દર્શન કરીને ધન્ય બને છે. અંબાજી મંદિર કરોડો શ્રધ્ધાળુઓની ભક્તિ અને આસ્થાનું પરમ પવિત્ર તીર્થસ્થાન છે. મહામેળા પ્રસંગે પદયાત્રા કરીને અંબાજી આવતા યાત્રિકોએ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાયેલ સુવિધાઓની પ્રશંસા કરી છે.
(૧) અમદાવાદથી પદયાત્રા કરીને અંબાજી આવેલ શ્રી રાહુલ માવજીભાઇ સોલંકીએ એક મુલાકાતમાં જણાવ્યું કે, જગદજનની આધશક્તિ મા અંબે પર અમને વિરાટ શ્રધ્ધા છે. અમે ઘણીવાર અંબાજી આવીએ છીએ. તેમણે કહ્યું કે, ભારદવી મહામેળામાં લાખો યાત્રિકો આવવા છતાં વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા, આરોગ્ય, લાઇટીંગ, પાણી અને સારા દર્શન કરવાની વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે. શ્રી રાહુલભાઇએ કહ્યું કે, રસ્તાઓ પર સેવા કેન્દ્રો ધ્વારા પણ સારી સુવિધાઓ કરાઇ છે.
(૨) આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેહમી ગામથી અંબાજી, ગબ્બર ખાતે આવેલ પદયાત્રિશ્રી વિરેન્દ્રસિંહ દોલતસિંહ રાઠોડે જય અંબે સહ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, અમે ૬૦ વ્યક્તિઓના ગૃપ સાથે ૧૦ દિવસથી ચાલીને અંબાજી આવ્યા છીએ. મહામેળામાં યાત્રિકો માટે ખુબ સારી સુવિધાઓ મળે છે તેનો અમને આનંદ છે.
(૩) બાવળા જિલ્લો અમદાવાદથી આવેલ શ્રી ગિરધર રાજારામ પાટીલે જણાવ્યું કે, અંબાજી મંદિરમાં અને ગબ્બર ઉપર માતાજીના દર્શન કરી અમે ધન્ય બન્યાં છીએ. અહીં ખુબ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે જેનાથી અમે ખુશ છીએ.
(૪) દાહોદથી આવેલશ્રી સતિષભાઇ પરમારે કહ્યું કે, અમને રસ્તામાં કે અંબાજીમાં કોઇ જ તકલીફ પડી નથી. અહીં સરસ વ્યવસ્થાઓ છે. માતાજી સૌના ઉપર કૃપા વરસાવે.
(૫) મહેસાણા જિલ્લાના વિજાપુરથી આવેલ શ્રીમતી જમનાબેન અને તેમના પતિશ્રી બાબુજી ઠાકોરે કહ્યું કે, તકલીફની તો વાત જ ના કરશો સાહેબ યાત્રિકો માટે રસ્તાઓ ઉપર અને અંબાજીમાં સરસ વ્યવસ્થાઓ અને સુવિધાઓ છે જેનાથી અમને સંતોષ છે.
(૬) રાણીપ અમદાવાદથી પદયાત્રા દ્વારા મિત્રો સાથે અંબાજી જતા શ્રી મેઘરાજસિંહ એસ.ઝાલાએ જણાવ્યું કે, અંબાજી હવે આઠ-દસ કિ.મી. જ દૂર છે પણ અમને માતાજીની કૃપાનો અહેસાસ થાય છે. તેમણે કહ્યું બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર એ યાત્રિકો માટે ખુબ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે.
(૭) ડીસાથી આવેલ પદયાત્રિ શ્રી ભરતભાઇ હરસાદ દેવીપુત્રએ એક મુલાકાતમાં કહ્યું કે, અંબાજી મહામેળો એ ભક્તિ અને તપનો મેળો છે. વ્યવસ્થા અંગે પ્રતિભાવ આપતાં તેમણે કહ્યું કે, આપણી અપેક્ષા કરતાં પણ વધુ સુવિધાઓ જોવા મળે છે.
રિપોર્ટર : ગિરીશ જોશી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here