ભગવાન ગણેશની સ્થાપના કરીને શ્રદ્ધાળુઓ 10 દિવસ ભગવાનની પૂજા કરે છે. બાદમાં ભગવાનની મૂર્તિને વિસર્જન માટે નદીમાં પધરાવે છે. ત્યારે ગણેશ ભગવાનની મૂર્તિના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી નદીના પટમાં અલગ-અલગ સાઈઝના વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. રૂ. 8 કરોડના ખર્ચે આ કુંડ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં સૌથી વધુ 15 કુંડ બનાવવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે.પશ્ચિમ ઝોનમાં રૂ. 1.80 કરોડના ખર્ચથી 15 વિસર્જન કુંડ બનાવવામાં આવશે, જયારે મધ્યઝોનમાં 12, ઉત્તર ઝોનમાં 15, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં 03 વિસર્જન કુંડ બનાવવા માટે સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.
7 ઝોનમાં 50થી વધુ વિસર્જન કુંડ સહિત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. વિસર્જન કુંડને યોગ્ય રીતે કોર્ડન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત AMCનો સ્ટાફ, પોલીસ જવાનો અને ફાયર વિભાગના જવાનો પણ વિસર્જન કુંડ ખાતે હાજર રહેશે.વિઘ્નહર્તાનો ઉત્સવ કોઈપણ વિઘ્નવિના સંપન્ન થાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે. ભક્તોને પણ ગાઈડલાઈનનું પાલન કરવા AMCએ અપીલ કરી છે.