અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ગાજાને લઇને એક પ્રસ્તાવ મુકયો છે તેનાથી સમગ્ર દુનિયામાં ચકચાર મચી ગઇ છે. કેનેડા લઇ લેશું, ગ્રીનલેન્ડ લઇ લેશું, પનામા નહેર અમારી છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલામાં હવે ગાજાનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો એક સ્વાયત વિસ્તાર છે જે પેલેસ્ટાઇનનો જ એક ભાગ ગણાય છે. ઇઝરાયેલ અને અરબ દેશો વચ્ચે દાયકાઓથી જમીનનો ઝગડો ચાલે છે. કટ્ટર વૈચારિક ઇસ્લામિક અને આંતકી સંગઠન હમાસનો વર્ષોથી કબ્જો રહયો છે. છેલ્લા દોઢ વર્ષમાં ઇઝરાયેલે તાબડતોબ કાર્યવાહી કરીને ગાજાને ખંડર બનાવી દીધું છે.
સંયુકત રાષ્ટ્રના ચાર્ટર મુજબ લોકોને બળજબરીથી હટાવી શકાય નહી
નવાઇની વાત તો એ છે કે આ ગાજામાં તમામ પેલેસ્ટાઇનીઓને જળજબરીથી બહાર કાઢીને સમગ્ર વિસ્તાર પોતાના નિયંત્રણમાં લેવાની અમેરિકાએ વાત કરી છે. જો કે ટ્રમ્પના વધુ એક વિવાદાસ્પદ નિવેદનને આંતરરાષ્ટ્રીય કાનુનનો ભંગ ગણવામાં આવે છે. કેટલાક તો આ પગલાને જીનોસાઇડ પ્રકારનું પણ ગણાવી રહયા છે. ટ્રમ્પે આને માનવીય સમાધાન ગણાવ્યું છે પરંતુ જે લોકો વર્ષોથી રહેતા હોય તેમને ઘર છોડાવવામાં માનવતા નથી.
નિષ્ણાતોનું માનવું છે કે જો આનો અમલ થાય તો પશ્ચિમ એશિયામાં પ્રત્યક્ષ રીતે ચાલતો અરબ -ઇઝરાયેલ વિવાદ ખૂબજ પેચિંદો બનશે. આંતરરાષ્ટ્રીય કાનુન હેઠળ કોઇ પણ માનવ વસાહતને પોતાના બળજબરીથી હટાવવી યુધ્ધ અપરાધ ગણાય છે. જિનેવા કન્વેંશન હેઠળ આના પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયેલો છે. સંયુકત રાષ્ટ્રના ચાર્ટર મુજબ કોઇ પણ દેશને સૈન્યબળના આધારે કોઇ પણ વિસ્તાર પર કબ્જો કરવાની પરવાનગી મળતી નથી.