આતંકવાદીઓને મારવા માટે સરહદ પાર કરવા સાથે જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના કથિત નિવેદનો પર હવે અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રપતિ જો બાઇડનના તંત્રએ કહ્યું કે, અમેરિકા આ મુદ્દે વચ્ચે નહીં પડે. જોકે, તેને ‘ભારત અને પાકિસ્તાનને ટકરાવથી બચવા અને વાતચીતના માધ્યમથી સમાધાન શોધવાનો અનુરોધ કર્યો છે.
પાકિસ્તાન દ્વારા સતત લગાવવામાં આવતા આરોપો પર અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે. જોકે, અમેરિકાએ જે કહ્યું છે તે પાડોશી દેશને પસંદ નહીં પડે. ઘરમાં ઘુસીને મારનારા નિવેદન પર અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે કહ્યું, ‘જેમ કે મે પહેલા કહ્યું છે, અમેરિકા પાકિસ્તાન અને ભારત વચ્ચે આવવાનું નથી. બન્ને દેશ વાતચીત દ્વારા મુદ્દાને હલ કરે.’
જ્યારે મિલરને પૂછવામાં આવ્યું કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યાના ષડયંત્રને લઇને અમેરિકાએ ભારત પર કોઇ પ્રતિબંધ કેમ નથી લગાવ્યો? જવાબમાં અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું, “હું ક્યારેય પણ કોઇ પણ પ્રતિબંધની કાર્યવાહીનું પૂર્વાવલોકન કરવા નથી જઇ રહ્યો. અમેરિકા પ્રતિબંધો વિશે ખુલીને ચર્ચા નથી કરતું.”પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાનના નાગરિકોને આતંકવાદી ગણાવવા અને સજા આપવાનો દાવો કરવો સાબિત કરે છે કે તે દોષી છે. એવામાં આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ જરૂરી છે કે તે ભારતને તેની ગેરકાયદેસર ગતિવિધિ માટે જવાબદાર ઠેરવે.