અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 1100 ભારતીય નાગરિકોને ચાર્ટર અને અન્ય ફ્લાઇટ દ્વારા ભારત પરત મોકલવામાં આવ્યા છે. અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગ (DHS)ના એક અધિકારીએ આ માહિતી આપી છે.
US DHS સહાયક સચિવ ફોર બોર્ડર એન્ડ ઇમિગ્રેશન પોલિસી રોયસ મરેએ 22 ઓક્ટોબરે ભારતીય નાગરિકોના ગ્રુપને ભારત પરત મોકલવાના એક સવાલ સંબંધિત એક સવાલના જવાબમાં કહ્યું કે, ફ્લાઇટમાં કોઇ સગીર નહતો અને તે બધા પુખ્ત વયના હતા.
સીનિયર અધિકારીએ કહ્યું કે, 22 ઓક્ટોબરની ચાર્ટર ફ્લાઇટને પંજાબમાં ઉતારવામાં આવી હતી. જોકે, તેમણે એમ નથી જણાવ્યું કે ફ્લાઇટ ક્યાથી આવી હતી અને ગેરકાયદેસર અમેરિકામાં રહેતા લોકો મૂળ ક્યાના રહેવાસી હતા.
આ ઘટના અમેરિકન ગૃહ અધિકારીઓ દ્વારા તે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોના જૂથને પરત મોકલવાની જાહેરાતના કેટલાક દિવસ બાદ થઇ છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને પાછા મોકલવા અંગેના પ્રશ્નના જવાબમાં મરેએ કહ્યું કે 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા અમેરિકન નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 1,100 ભારતીય નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા છે. યુએસ નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે અને 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થાય છે.
DHSના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે નાણાકીય વર્ષ 2024માં 1,60,000થી વધુ લોકોને પરત પોતાના દેશ મોકલવામાં આવ્યા છે. ભારત સહિત 145થી વધુ દેશમાં 495 ફ્લાઇટમાં આ લોકોને પરત મોકલવામાં આવ્યા છે. 22 ઓક્ટોબરના રોજ યુએસ ડીએચએસ બોર્ડર અને ઇમિગ્રેશન પોલિસીના સહાયક સચિવ રોયસ મરેએ કહ્યું કે આ એક સરળ કામગીરી હતી અને તેને ભારત સરકાર તરફથી પણ સહયોગ મળ્યો હતો.
અમેરિકા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશતા લોકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે બોર્ડરની સિક્યુરિટી વધારી દેવામાં આવી છે અને દેશમાં કાયદેસર રીતે પ્રવેશ કરવા માટે સરળ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. જૂન 2024માં રાષ્ટ્રપતિએ ‘સીમા સુરક્ષા’નો આદેશ આપ્યો હતો. ત્યારથી, યુએસ-મેક્સિકો સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશનારા લોકોની સંખ્યામાં 55%નો ઘટાડો થયો છે.