વિમાન બનાવતી અમેરિકન કંપની બોઇંગે 12 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની કરી જાહેરાત

0
0

નવી દિલ્હી. વિશ્વની અગ્રણી વિમાન ઉત્પાદક અમેરિકન કંપની બોઇંગે 12 હજાર કર્મચારીઓની નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે. તેમાંથી 6770 કર્મચારીઓને આ અઠવાડિયે કાઢી મુકવામાં આવશે. જ્યારે આશરે 5 હજાર કર્મચારીઓને આવતા અઠવાડિયે છુટા કરવામાં આવશે. બોઈંગે કર્મચારીઓ માટે મરજીથી નોકરી છોડવા માટેનો એક કાર્યક્રમ પણ ચલાવ્યો છે. છટનીમાં આ યોજના હેઠળ નોકરી છોડનારા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

બોઇંગ કુલ કાર્યબળના 10% ઘટાડવા માંગે છે
બોઇંગમાં લગભગ 1.6 લાખ કર્મચારીઓ કાર્યરત છે. કોરોના ચેપને કારણે સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરીની અસર થઈ છે. કંપનીનું માનવું છે કે આનાથી ભવિષ્યમાં તેના વ્યવસાય પર ભારે અસર થશે. આથી જ કંપનીએ પોતાના કાર્યબળનો 10% ભાગ કાઢવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને લખેલા પત્રમાં બોઇંગના પ્રમુખ અને સીઈઓ ડેવિડ કાલ્હાઉને ગયા મહિને કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે અમે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત હેઠળ મરજીથી નોકરી છોડવા માટેનો એક કાર્યક્રમ શરુ કર્યો હતો. હવે મને એ કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે અમે કર્મચારીઓને નોકરીથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત આ સપ્તાહે અમેરિકામાં 6770 કર્મચારીઓને કાઢવામાં આવશે.

બરતરફ કરાયેલા કર્મચારીઓને આર્થિક સહાય આપવામાં આવશે
કાલ્હાઉને વધુમાં કહ્યું કે, જે કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવશે તેઓને કંપનીથી અલગ થવાની ચુકવણી ઉપરાંત તમામ શક્ય સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, અમેરિકામાં બરતરફ કરાયેલા કર્મચારીઓને કોબ્રા હેલ્થ કેર કવર આપવામાં આવશે. સીઈઓએ કહ્યું કે કંપની તેની તમામ આંતરરાષ્ટ્રીય કચેરીઓમાં કર્મચારીઓને ઘટાડવાની યોજના ધરાવે છે. તેની માહિતી સ્થાનિક રીતે આપવામાં આવશે. આ કર્મચારીઓને સ્થાનિક કાયદા હેઠળ તમામ પ્રકારના લાભ પણ આપવામાં આવશે.

એરલાઇન્સ ઉદ્યોગ પર કોરોનાની જોખમી અસર
સીઇઓ ડેવિડ કાલ્હાઉને કહ્યું કે કોવિડ-19ની એરલાઇન ઉદ્યોગ પર ખૂબ જોખમી અસર પડી છે. આનો અર્થ એ છે કે આવતા કેટલાક વર્ષોમાં અમારા ગ્રાહકો કોમર્શિયલ જેટ અને અન્ય સેવાઓ ખરીદવામાં મોટો કાપ મૂકશે. તેનાથી અમારા માટે કામ ઘટશે. તેમણે કહ્યું હતું કે આવનારા વર્ષોમાં એરલાઇન ઉદ્યોગમાં રિકવરી શરૂ થતાં જ અમે અમારા કોમર્શિયલ એરલાઇન ગ્રાહકોની જરૂરિયાતો પર ધ્યાન આપીશું.

અનેક અર્થવ્યવસ્થાઓમાં રાહત જોવા મળી રહી છે
કાલ્હાઉનના જણાવ્યા અનુસાર યુએસનાં ઘણાં રાજ્યો અને કેટલાક અન્ય દેશોએ તેમની અર્થવ્યવસ્થા ખોલી છે. તેમણે કહ્યું કે તેનાથી થોડી રાહત છે. ડિફેન્સ સહિતના બોઇંગનો ધંધો પણ ફરી શરૂ થયો છે. અમે અમારા ગ્રાહકોને કરેલા વાયદા પ્રમાણે ક્રિટીકલ સ્કિલ પોઝિશન્સ પર હાયરિંગ કરતાં રહીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here