અમેરિકન પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ સિલ્વર લેક રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 5,655.75 કરોડનું રોકાણ કરશે

0
4

ટેક્નોલોજી અને ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કરતી અમેરિકાની પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 5,655.75 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણથી સિલ્વર લેકને જિયોમાં અંદાજીત 1.15% હિસ્સેદારી મળશે. આ ડીલ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી એક વર્ષમાં સિલ્વર લેક વધુ રોકાણ કરી પોતાની હિસ્સેદારી 10% સુધી વધારી શકે છે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.90 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. 5.15 લાખ કરોડ થઈ જશે. આ સોદો નિયમનકારક અને અન્ય કાયદેસર મંજૂરીઓને આધિન છે. આ સોદામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નાણાકીય સલાહકાર મોર્ગન સ્ટેન્લી અને કાયદાકીય સલાહકારો એઝેડબી એન્ડ પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ છે.

ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમની વૃદ્ધિને વેગ મળશે: મુકેશ અંબાણી

સિલ્વર લેકના રોકાણ વિશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, મને તમામ ભારતીયોના લાભ માટે ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમની વૃદ્ધિને વેગ આપવા અને એને પરિવર્તિત કરવા કિંમતી પાર્ટનર તરીકે સિલ્વર લેકને આવકાર આપવાની ખુશી છે. સિલ્વર લેક આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચની ટેકનોલોજી કંપનીઓમાં કિંમતી પાર્ટનર હોવાનો ઉત્કૃષ્ટ રેકોર્ડ ધરાવે છે. સિલ્વર લેક ટેકનોલોજી અને ફાઇનાન્સમાં સૌથી વધુ વિશ્વસનિય રોકાણકાર પાર્ટનર પૈકીની એક છે. અમને એના આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી પાર્ટનર્સ પાસેથી ભારતીય ડિજિટલ સોસાયટીના પરિવર્તનને આગળ વધારે એવી ઉપયોગી જાણકારીઓનો લાભ મળશે.

15 દિવસના ટૂંકા ગાળામાં જિયોમાં બીજું મોટું રોકાણ આવ્યું

રિલાયન્સની ટેક્નોલોજી કંપની જિયો પ્લેટફોર્મ્સમાં 15 દિવસના ટૂંકા ગાળામાં આ બીજું મોટું આંતરરાષ્ટ્રીય સ્તરનું રોકાણ થયું છે. અગાઉ 22 એપ્રિલે ફેસ્બુકે જિયોમાં રૂ. 43,574 કરોડના રોકાણ માટે સમજૂતીની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 4 મેના રોજ સિલ્વર લેક પાર્ટનર્સે રૂ. 5,655.75 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સોદો ફેસબુકના રોકાણના ઇક્વિટી વેલ્યુએશનનાં 12.5% પ્રીમિયમ પર થશે.

જિયો પ્લેટફોર્મ્સ વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ કંપનીઓ પૈકીની એક છે: એગોન ડર્બન

સિલ્વર લેકના કો-સીઇઓ અને મેનેજિંગ પાર્ટનર એગોન ડર્બને કહ્યું હતું કે, જિયો પ્લેટફોર્મ્સ વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ કંપનીઓ પૈકીની એક છે. કંપની મજબૂત અને ઉદ્યોગસાહસિકતાનો અભિગમ ધરાવતી ટીમ સાથે સતત આગેકૂચ કરી રહી છે, જેનું વિઝન ભારતીય સમાજનું ડિજિટલ સોસાયટીમાં પરિવર્તન કરવાનું છે. જિયોએ બહોળા ઉપભોક્તા વર્ગ અને મોટી સંખ્યામાં નાનાં વેપારીઓને ઓછા ખર્ચે ડિજિટલ સેવાઓ આપવા પાવરફૂલ પ્લેટફોર્મ ઊભું કર્યું છે, જે માટે જિયો અસાધારણ એન્જિનીયરિંગ ક્ષમતા ધરાવે છે. વળી ભારતીય બજાર પ્રચૂર સંભવિતતા ધરાવે છે. અમને મુકેશ અંબાણી અને ટીમ સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે. અમે રિલાયન્સ અને જિયોને જિયો મિશનને આગળ વધારવામાં મદદ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here