વર્ષ ૨૦૧૦ ના જુલાઈ મહિના માં માહિતી અધિકાર ના કાર્યકર અમિત જેઠવા પર થયેલ ખૂની હુમલો અને ત્યાર બાદ તેમના મૃત્યુ થી ગુજરાત ના રાજકારણ માં નવા અધ્યાય લખાયેલ છે જેનો અંત કદાચ હવે નજીક માં જ આવી જશે. જેઠવા ની હત્યા બાદ ભાજપ ના જૂનાગઢ ના સાંસદ દિનુ સોલંકી નું નામ ઉછળેલું જેને એક તબક્કે તો સરકાર દ્વારા ક્લીન ચિટ પણ અપાઈ ગયેલ. કેસ ને રિઓપન કરવા સાથે આ હત્યા માં ફરી એકવાર દિનુ સોલંકી અને તેમના ભત્રીજા શિવા સોલંકી નો હાથ હોવાથી કાયદેસર ની કાર્યવાહી થયેલ. લાંબી કાનૂની લડાઈ પછી ગુજરાત હાઇકોર્ટે આજે ચુકાદો અનામત રાખી ને કાલ પર સુનાવણી રાખેલ છે.
શું હતો મામલો?
જૂનાગઢ કે જે ગીર ના સિંહો માટે ખ્યાતનામ છે ત્યાં ગેરકાયદેસર ખોદકામ ની પ્રવૃતિઓ વિરુદ્ધ અમિત જેઠવા એ ફરિયાદો કરેલ અને અદાલત માં જાહેર હિત ની અરજી પણ આપેલ. અમિત જેઠવા ગીર નેચર યુથ ક્લબ ના પ્રમુખ અને વન્ય જીવો ના ચાહક હોઈ ગીર ના જંગલો માં ગેરકાનૂની પ્રવૃતિઓ કરનારાઓ ને ખૂંચતા હતા. તેઓએ આ ગેરકાયદેસર ખોદકામ ની પ્રવૃતિઓ વિરુદ્ધ ફરિયાદો કરી તેમાં ઘણા મોટા માથાઓ સુધી તપાસ નો રેલો પહોંચેલ અને તેથી જ તેઓને પોતાની આડે આવતા દૂર કરવા માટે આ ખૂની કારસાને અમુક લોકોએ અંજામ આપ્યો અને તેમાં પ્રમુખ ભુમિકા માં દિનુ સોલંકી અને શિવા સોલંકી રહેલ.
જેઠવા ની હત્યા અને લાંબી કાયદાકીય લડત:
૨૦ જુલાઈ ૨૦૧૦ ના રોજ અમદાવાદ માં ગુજરાત હાઈકોર્ટ ની બહાર નીકળી અમિત જેઠવા જયારે પોતાના વાહન માં બેસવા જતા હતા ત્યારે તેઓ પર મોટર સાઇકલ પર આવેલ બે જણાએ ફાયરિંગ કરેલ જેમાં જેઠવાને પેટ માં ગોળી વાગતા મોતને ભેટેલ. ત્યારબાદ પોલીસ તપાસ માં પણ કંઈ નક્કર હકીકત સામે ના આવતા અંતે ગુજરાત હાઇકોર્ટ ની ટકોર પછી કેસ માં ચાર્જશીટ ફાઈલ કરીને દિનુ સોલંકી ની ધરપકડ કરવામાં આવેલ. આ કેસ હવે એક નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂકેલ છે અને થોડા જ સમયમાં કોર્ટ નો ચુકાદો બતાવશે કે સત્ય સામે આવે છે કે નહિ.
પવન માકન, CN24NEWS, અમદાવાદ