6 મનપામાં ધીમું મતદાન, ભાજપને ભય, વધુમાં વધુ મતદાન કરાવવા પ્રદેશ નેતાઓને અમિત શાહની સૂચના

0
15

રાજ્યની 6 મહાનગર પાલિકા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણી માટે ચાલી રહેલા ધીમા વોટિંગથી રાજકીય પક્ષોમાં દોડધામ મચી છે. હાલ ચાલી રહેલા ધીમા મતદાનથી અન્ય રાજકીય પક્ષો કરતા વધુ સત્તાધારી ભાજપના નેતાઓ ચિંતિત બની ગયા છે. ખાસ કરીને ભાજપના સંગઠનના ચાણક્ય એવા અમિત શાહ પણ અમદાવાદ આવેલા છે, ત્યારે શાહે પણ આ મામલો ગંભીરતાથી લીધો છે. તેઓ ભાજપના નેતાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ મતદાન કરવા આદેશ કરી રહ્યા છે.

ભાજપને ઓછા મતદાનનો એવો પણ ભય સતાવી રહ્યો છે કે, આ ચૂંટણીમાં ભાજપ સામે માત્ર કૉંગ્રેસ જ નહીં આપ સહિતની કેટલીક પાર્ટીઓ પણ લડી રહી છે ત્યારે જીતના માર્જિનમાં ઘટાડો થાય સાથે સાથે રસાકસી થઈ શકે છે. જેને કારણે ભાજપને હારનો સામનો પણ કરવો પડી શકે છે.

શાહે સપરિવાર મતદાન કર્યું

અમદાવાદ મહાનગર પાલિકામાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવ્યા હતા. તેમણે નારણપુરા ખાતે સપરિવાર મતદાન કર્યું હતું. તેઓ પત્ની તથા પુત્રવધુ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. તેમની સાથે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સુરક્ષા વ્યવસ્થાના કારણોસર શહેરના નારણપુરામાં મતદાન મથક હાઈસિક્યુરિટી ઝોનમાં ફેરવાયું છે. ક્રાઈમ બ્રાન્ચ સહિતની અનેક સુરક્ષા એજન્સીઓ અમિત શાહની સુરક્ષાના બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ છે. મતદાન કરવા માટે આવનારા મતદારોને મેટલ ડિટેક્ટરમાં પસાર કરીને જ મતદાન કરવા માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ફોર્સ પણ ઉતારી દેવામાં આવી છે.

શહેર 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી
અમદાવાદ 5 ટકા 8 ટકા 9 ટકા 18 ટકા
વડોદરા 4 ટકા 8 ટકા 10 ટકા 19 ટકા
સુરત 4 ટકા 9 ટકા 9 ટકા 18 ટકા
રાજકોટ 3 ટકા 10 ટકા 11 ટકા 17 ટકા
ભાવનગર 5 ટકા 8 ટકા 9 ટકા 20 ટકા
જામનગર 3 ટકા 9 ટકા 10 ટકા 19 ટકા

બપોરે 1 વાગ્યા પછીનું મતદાનનું અપડેટ (મતદાન ટકાવારીમાં)

શહેર 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી
અમદાવાદ 12 ટકા 18 ટકા 22 ટકા
વડોદરા 16 ટકા 24 ટકા 28 ટકા
સુરત 15 ટકા 24 ટકા 27 ટકા
રાજકોટ 16 ટકા 23 ટકા 28 ટકા
ભાવનગર 18 ટકા 24 ટકા 31 ટકા
જામનગર 16 ટકા 28 ટકા 28 ટકા

2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ

2015ની ચૂંટણીની તુલનાએ આ વખતે 10 જેટલા પક્ષો મેદાનમાં છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીએ 419 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હોવાથી જીતના માર્જીન ઘટવાની સાથે સાથે ભાજપના ઉમેદવારને હારનો પણ ભય સતાવી રહ્યો છે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.

કઈ કઈ પાર્ટી ચૂંટણી મેદાને ?

રાજકીય પક્ષોની જો વાત કરવામાં આવે તો 6 કોર્પોરેશનમાં 10 જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે અનેક બેઠકો પર સીધી ટક્કર છે. અન્ય પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી (BSP), ભારતીય સામ્યવાદી પક્ષ (CPI), ભારતનો સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી (SP) જનતાદળ સેક્યુલર (JDS) અને ગુજરાતમાં સૌપ્રથમ વખત ચૂંટણી મેદાને ઝંપલાવી રહેલી ઑલ ઈન્ડિયા મજલીસ -એ- ઈત્તહુદુલ મસ્લીમીન (AIMIM) સહિતના અન્ય અને અપક્ષ ઉમેદવારો પણ કોર્પોરેશનની ચૂંટણીમાં જંગમાં ઉતર્યા છે.

કઈ મનપામાં કેટલા વોર્ડ, બેઠક અને કયા પક્ષના કેટલા ઉમેદવાર

કોર્પોરેશન કેટલા વોર્ડ બેઠક કેટલા ઉમેદવારો ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ
અમદાવાદ 48 192 773 191 188 156 87
સુરત 30 120 484 120 117 113 58
વડોદરા 19 76 279 76 76 41 30
જામનગર 16 64 236 64 62 48 27
રાજકોટ 18 72 293 72 70 72 20
ભાવનગર 13 52 211 52 51 39 4
કુલ 144 576 2276 575 564 419 226

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here