અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, મંત્રીમંડળમાં 3 નવા ચહેરા તો 3ને પડતાં મૂકાય તેવી સંભાવના

0
43

(અહેવાલ :રવિકુમાર કાયસ્થ)

ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. જો કે વિધિવત રીતે તો શાહ અમદાવાદના કાર્યક્રમો અને તમામ જિલ્લાના કલેક્ટરો સાથે મિટીંગ કરવા આવી રહ્યા છે.પરંતુ ગુજરાત ભાજપના અંગત વર્તુળમાંથી સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તો ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણનું અને સંગઠનમાં મોટા ફેરફાર કરવાનું પ્લાનીંગ છે.

અમિતભાઈ CM સાથે બેઠક કરી મંત્રીમંડળ અને સંગઠનની ચર્ચા કરશે

આવતી કાલે સાંજે રાજભવન ખાતે અમિતભાઈ અને CM રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારની ચર્ચા કરી શકે છે. જેમાં લાંબા સમયથી થનગની રહેલાં 3 નેતાઓને મંત્રી બનાવાઈ અને અન્ય 3ને પડતાં મૂકાય તેવી સંભાવના છે. આ સાથે ભાજપ સદસ્તા અભિયાન પૂર્ણ થતાં પ્રદેશ સંગઠનમાં નવા કાર્યકર્તાઓને હોદ્દા ફાળવી તેમને ખુશ કરવા અને પાર્ટીમાં નવો જીવ પુરવાની શક્યતાં છે. અમુક નેતાઓનું એવું પણ માનવું છે કે અમિતભાઈ આવશે એટલે અમારા પાર્ટીમાં હોદ્દા નિશ્ચિત.

વાઘાણી સહિત 3 નેતાઓને મંત્રી બનવાનો થનગનાટ

આંતરિક વર્તુળોમાં મોખરે ચાલી રહેલાં નામોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું નામ નિશ્ચિત છે, આ સાથે ઉતર ગુજરાતના બે નેતા શંકર ચૌધરી કે જેને પરબત પટેલના સ્થાને લઈ શકે છે કારણ ચૌધરીઓને ખુશ કરવાં આ પગલું લેવું જરૂરી છે. અને રહી વાત કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કરનાર અલ્પેશ ઠાકોરની તેમને તો રૂપાણી સાહેબે મંત્રી પદનું વચન આપી દીધું છે બસ અમિતભાઈ હા પાડે તેની જ રાહ છે.

પરસોતમ સોલંકી સહિત 3 મંત્રીઓને હવે પડતાં મુકાશે

લાંબા સમયથી બીમાર અને સરકારમાં નિષ્ક્રિય એવાં પરસોતમ સોલંકીથી CM સહિતના તમામ નેતાઓ થાક્યા છે. જ્યારે કચ્છના વાસણાં આહિર બે-ત્રણ વખત વિવાદમાં ફસાતાં પાર્ટી પોતાની ઈમેજ બગાડવાં નથી માંગતી. અને હજુ એક દિગ્ગજ નેતા અને મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત અત્યંત નાદુસ્ત રહે છે આથી તેમનું ખાતું જીતુભાઈને આપી તેમને પાર્ટીની કોઈ જવાબદારી સોપાઈ તેવી સંભાવના છે.

જીતુભાઈને મંત્રી બનાવી પ્રદેશ અધ્યક્ષ બદલવાની તજવીજ

જીતુભાઈ વાઘાણી અમિતભાઈના માનીતા નેતા છે એટલે તેમનાં જ નેતૃત્વમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ભાજપે લડી. પરંતુ હવે જીતુભાઈ પોતે મંત્રી બનવા થનગની રહ્યા છે એવું અંગત સુત્રોનું કહેવું છે. ઉપરાંત પ્રદેશને નવું નેતૃત્વ મળે તો કાર્યકર્તાઓમાં પણ નવો ઉત્સાહ આવે તેવી વિચારધારાથી ફેરફાર શક્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here