સીટની ફાળવણીને લઈને જમ્મુ અને કાશ્મીર ભાજપના એકમમાં વધી રહેલા નારાજગી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 6 સપ્ટેમ્બરથી કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લઇ શકે છે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે એક રેલીમાં પાર્ટીનો ઢંઢેરો જાહેર કરશે એમ ભાજપના J&K જનરલ સેક્રેટરી અશોક કૌલે જણાવ્યું હતું.
ગૃહ પ્રધાન તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન જમ્મુમાં રાજકીય રેલીઓને પણ સંબોધિત કરશે. જ્યારે તેમની મુલાકાતની વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ભાજપની ચૂંટણી વ્યૂહરચનાનાં પ્રચંડ આર્કિટેક્ટ શાહ બીજેપી એકમમાં અસંતોષનાં કારણો જાણવા માટે પાર્ટીના નેતાઓ સાથે અલગ બેઠકો કરશે અને ખાતરી કરશે કે પાર્ટી કોઈપણ મનભેદ અને મતભેદ વગર ચૂંટણી લડશે.
ગૃહ પ્રધાનની જમ્મુની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની ચિંતાઓ વધી ગઈ છે કારણ કે જમ્મુ કાશ્મીરમાં ઉમેદવારોની યાદી બહાર પાડવાનું શરૂ કર્યા બાદ ટિકિટ ફાળવણીને લઇને અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહમંત્રી અમિતશાહ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા અને ભાજપનો ઢંઢેરો જાહેર કરવા માટે 6 સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે.