કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાત પર છે. આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. ગૃહમંત્રી તરીકે તેમની આ પહેલી મુલાકાત છે. આ બધાની વચ્ચે નવાઇની વાત એ કે કાશ્મીર ઘાટીમાં આતંકવાદના ત્રણ દાયકાની વચ્ચે એવું પહેલી વખત બન્યું કે અલગતાવાદી સંગઠનોએ કઇ ગૃહમંત્રીની મુલાકાતના સમયે બંધની અપીલ ના કરી હોય.
અમિત શાહે પહેલાં દિવસે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે એક જુલાઇથી શરૂ થનાર અમરનાથ યાત્રાની સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરે. આજે બાબા બર્ફાનીના દર્શન કરવા અમિત શાહ પહોંચી શકે છે. આ સિવાય રાજ્યના ભાજપ નેતા પણ આજે અમિત શાહ સાથે મુલાકાત કરશે અને પરિસીમન સહિત કેટલાંય મુદ્દા ઉઠાવશે.
આ બધાની વચ્ચે આજે અમિત શાહ શહીદ જવાન અરશદ ખાનના પરિવારને મળવા તેમના ઘરે ગયા છે. અરશદ ખાન 12મી જૂનના રોજ અનંતનાગમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થઇ ગયા હતા. તેઓ અનંતનાગના એસએચઓ હતા. ઉલ્લેખનીય છે કે 12મી જૂનના રોજ સાંજે બાઇક સવાર આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલો અનંતનાગ બસ સ્ટેન્ડની નજીક કેપી રોડ પર થયો હતો. હુમલામાં સીઆરપીએફના 5 જવાન શહીદ થયા હતા. જ્યારે બીજા કેટલાંય ઘાયલ થયા હતા.
હુર્રિયતના કોઇપણ ગ્રૂપે બંધની અપીલ ના કરી
શાહની જમ્મુ-કાશ્મીરની મુલાકાતની ખાસ વાત એ છે કે અલગતાવાદી સંગઠનોની તરફથી બુધવારના રોજ બંધ પાળ્યો નહીં. હુર્રિયત કોન્ફરન્સના સૈયદ અલી સાહ ગિલાની હોય કે મીરવાઇઝ ઉમર ફારૂક, કોઇએ પણ બંધની અપીલ કરી નહોતી. એટલું જ નહીં કોઇ પણ અલગતાવાદી નેતાઓએ કોઇ નિવેદન રજૂ કર્યું નહીં. છેલ્લાં ત્રણ દાયકા દરમ્યાન જ્યારે પણ કેન્દ્ર સરકારનું કોઇપણ પ્રતિનિધિ મુલાકાતે આવે તો અલગતાવાદી ગ્રૂપ ઘાટીમાં બંધની અપીલ કરી જ દે.
પીએમ મોદીની મુલાકાત સમયે જેઆરએલનું બંધ
ત્રીજી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ઘાટીની મુલાકાત લીધી હતી ત્યારે ગિલાની, મીરવાઇઝ, અને જેકેએલએફ ચીફ યાસીન મલિકના નેતૃત્વવાળી સંગઠન સંયુકત પ્રતિરોધ નેતૃત્વ (JRL)એ ઘાટીમાં સંપૂર્ણ બંધની અપીલ કરી હતી. એટલું જ નહીં 10 સપ્ટેમ્બર 2017ના રોજ જ્યારે તત્કાલીન ગૃહમંત્રી રાજનાથ સિંહે કાશ્મીરની મુલાકાત લીધી ત્યારે પણ જેઆરએલ એ ઘાટીમાં બંધ પાળ્યો હતો. તેનાથી ઉલટું બુધવારના રોજ આ તમામ અલગતાવાદી સંગઠનો મૌન રહ્યા.