અમિતાભ બચ્ચનનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો, અભિષેક બચ્ચન હજી પણ હોસ્પિટલમાં

0
3

મુંબઈ. 11 જુલાઈથી અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં કોરોનાવાઈરસની સારવાર લેતા હતા. આજે એટલે કે બીજી ઓગસ્ટના રોજ અમિતાભ બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમને આજે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અભિષેક બચ્ચનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તે હોસ્પિટલમાં જ એડિમટ છે.

અભિષેક બચ્ચને ટ્વીટ કરીને માહિતી આપી

અભિષેકે બે ટ્વીટ કરી હતી. પહેલી ટ્વીટમાં અભિષેકે કહ્યું હતું, મારા પિતાનો કોવિડ 19નો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેઓ ઘરે રહીને આરામ કરશે. તમારી પ્રાર્થના તથા શુભેચ્છા માટે તમારો આભાર.

બીજી ટ્વીટમાં અભિષેકે કહ્યું હતું, કોમૉબિર્ડિટીને કારણે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હું હજી પણ હોસ્પિટલમાં જ છું. ફરીવાર તમારી શુભેચ્છા તથા પ્રાર્થના માટે આભાર. તમારો હંમેશાં ઋણી રહીશ.

11 જુલાઈથી હોસ્પિટલમાં દાખલ હતા

11 જુલાઈના રોજ મોડી સાંજે અમિતાભ અને દીકરા અભિષેક બચ્ચનના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. તેના બીજા દિવસે એટલે કે 12 જુલાઈના રોજ ઐશ્વર્યા અને આરાધ્યાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, પરિવારમાં એકમાત્ર જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

કોરોનાનો ચેપ લાગ્યા બાદ અમિતાભ અને અભિષેક તાત્કાલિક ધોરણે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. શરૂઆતમાં ઐશ્વર્યા અને આરાધ્યા બંને એસિમ્પ્ટમેટિક એટલે કે કોઈ જ લક્ષણો વિનાનાં પોઝિટિવ હોવાથી બંને ઘરે જ ક્વોરન્ટીન થયાં હતાં. પરંતુ પાછળથી તેમને પણ તાવ અને અન્ય લક્ષણો દેખાવા લાગતાં 17 જુલાઈના રોજ ઐશ્વર્યા અને આરાધ્યાને પણ નાણાવટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. 27 જુલાઈના રોજ બંનેને રજા આપી દેવામાં આવી હતી.

અગાઉ ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાની વાત ખોટી કહી હતી

અમિતાભ બચ્ચનનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની ચર્ચા 23 જુલાઈના રોજ સવારથી થતી હતી. જોકે, અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો તે ન્યૂઝ ખોટા, બેજવાબદાર તથા પાયાવિહોણા છે.

પ્રોટોકોલ પ્રમાણે અમિતાભ બચ્ચનના હોમ સ્ટાફના 30 વ્યક્તિઓનો પણ કોરોના ટેસ્ટ કરાયો હતો અને અમિતાભના ‘જલસા’ બંગલો તથા અન્ય ત્રણ બંગલાઓને સીલ કરીને સેનિટાઈઝ કરાયા હતા. 26 જુલાઈના રોજ આ બંગલાઓને ફરીથી ખોલી નાખવામાં આવ્યા હતા.

શું હોય છે કોમોર્બિડીટી?

અભિષેક બચ્ચને તેના ટ્વિટમાં કોમોર્બિડીટી શબ્દનો ઉલ્લેખ કર્યો છે. મેડિકલની ભાષામાં કોમોર્બિડીટી એટલે કોઇ વ્યક્તિમાં એકથી વધુ બીમારી હોય તેને કહે છે. કોરોના પેશન્ટમાં સામાન્ય રીતે જો બ્લડપ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારીઓ હોય તો તેને કોમોર્બિડીટી કહેવાય છે. અમિતાભ બચ્ચનને પહેલા પણ અમુક બીમારીઓનો સામનો કરવો પડ્યો છે. જોકે 77 વર્ષની ઉંમરે તેઓ કોરોના સામે લડીને સ્વસ્થ થયા તે સારી બાબત કહેવાય.