અમરેલી:સરકારી શાળાઓની સરખામણીમાં ખાનગી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વધુ પ્રમાણમાં હોય છે. કારણ કે મોટાભાગના સ્કુલ સંચાલકોનો ઉદ્દેશ્ય આર્થિક ઉપાર્જનનો હોય છે. શાળાના વર્ગખંડમા એસી લગાવેલા હોય તેવુ ચિત્ર સરકારી શાળાઓમા તો કયાંથી જોવા મળે ?. પરંતુ બગસરાના જુની હળીયાદ ગામની પ્રાથમિક શાળામા વર્ગખંડોમા દાતાઓના સહકારથી છાત્રો માટે એસી લગાવવામા આવ્યા છે. વાતાનુકુલિત વર્ગખંડોમા અહીના છાત્રો મુકતમને અભ્યાસ કરી રહ્યાં છે.
વાલીઓ ખાનગી શાળાને છોડી સરકારી શાળા તરફ દોટ મુકી રહ્યાં છે
શાળાના શિક્ષકો જો શિક્ષણના સ્તરને ઉંચાઇ આપવા પ્રયાસ કરે તો કેવુ સુંદર પરિણામ મળે તે બગસરાની જુની હળીયાદની પ્રાથમિક શાળામા જોવા મળી રહ્યું છે. અહી શાળાના શિક્ષકો અને આચાર્ય સહિતનો સ્ટાફ અભ્યાસ માટે આવતા છાત્રોને એવુ સુંદર વાતાવરણ આપી રહ્યાં છે અને શિક્ષણનુ સ્તર એટલુ ઉંચુ લઇ આવ્યા છે કે વાલીઓ ખાનગી શાળાને છોડી આ સરકારી શાળા તરફ દોટ મુકી રહ્યાં છે અને તેના કારણે જ આ પ્રાથમિક શાળામા માત્ર આસપાસના ગામમાથી જ નહી બગસરાથી મોટી સંખ્યામા છાત્રો અભ્યાસ માટે અહી આવી રહ્યાં છે. શહેરમાથી છાત્રો ગામડામા અભ્યાસ માટે જતા હોય તેવુ ચિત્ર કદાચ હળીયાદ ગામ સિવાય કયાંય જોવા નહી મળે.
શિક્ષકોનાં આ પ્રયત્નોને ગામના દાતાઓનો પણ સહકાર મળ્યો
અહીના દાતા દામોદરભાઇ વ્રજલાલભાઇ ખીમાણી, વિમળાબેન કેશવભાઇ રફાળીયા અને વિનુભાઇ બાલુભાઇ વિરડીયાના આર્થિક સહયોગથી ધોરણ 6-7 અને 8ના વર્ગખંડોને વાતાનુકુલિત કરવામાં આવ્યા છે. જેને પગલે આકરી ગરમીમા પણ અહીના છાત્રો શિતળ વાતાવરણમાં અભ્યાસ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ સ્કુલમાં આ પ્રકારની સુવિધાથી ખુશખુશાલ છે. હવે ગામ લોકો શાળાના તમામ વર્ગખંડોને વાતાનુકુલિત કરવાનુ વિચારી રહ્યાં છે. ખાનગી શિક્ષણની આંધળી દોટના યુગમા એક સરકારી શાળામા શહેરમાથી છાત્રો ગામડે અભ્યાસ માટે આવે તેવી સ્થિતિનુ નિર્માણ થાય તે મોટી વાત છે.
300થી વધુ બાળકો શાળામાં અભ્યાસ કરે છે
જુની હળીયાદની આ પ્રાથમિક શાળામાં 300થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે જે પૈકી ધોરણ 6-7 અને 8મા 100થી વધુ છાત્રો છે. અહી દરરોજ એક બસ ભરીને છાત્રો બગસરાથી અભ્યાસ માટે આવે છે.
-દર્શન ઠાકર
ગ્રીન શાળાનો મળ્યો છે એવોર્ડ
જુની હળીયાદની આ પ્રાથમિક શાળાને ગ્રીન શાળાનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. કારણ કે શાળા પરિસરમાં અહી મોટી સંખ્યામા વૃક્ષો વાવવામા આવ્યા છે. વર્ષ 2018મા શાળાને સ્વચ્છતા એવોર્ડ પણ મળ્યો હતો.
ખીજડીયામાં પણ લેબને વાતાનુકુલિત કરાઇ છે
બગસરા તાલુકાના ખીજડીયા ગામની પ્રાથમિક શાળાને પણ આ જ રીતે ગામ લોકોએ આર્થિક સહયોગ આપી વાતાનુકુલિત બનાવી છે. આ પગલુ અનુકરણીય છે.