Wednesday, September 22, 2021
Homeઅમરેલી : રિમાન્ડ પર રહેલા વ્યાજખોરને VIP ટ્રીટમેન્ટ આપી ઘરે સૂવા મોકલી...
Array

અમરેલી : રિમાન્ડ પર રહેલા વ્યાજખોરને VIP ટ્રીટમેન્ટ આપી ઘરે સૂવા મોકલી દેતા PSIની ધરપકડ, સસ્પેન્ડ

રાજુલા: જેના પુત્રને કેન્સરની બિમારી હતી તેવા મજબૂર બાપને તગડા વ્યાજે નાણા ધીરી મોટી રકમ ખંખેરી લેનાર ચાર શખ્સો સામે ગુનો નોંધાયા બાદ ડુંગર પોલીસે ચારેયની ધરપકડ તો કરી પરંતુ પીએસઆઇએ વ્યાજખોરો સાથે સાંઠગાંઠ કરી રિમાન્ડ પર રહેલા મુખ્ય સુત્રધારને વીઆઇપી ટ્રીટમેન્ટ આપી રાત્રે ઘરે સુવા મોકલી દેતા જાણકારી મળતાની સાથે જ પોલીસવડાએ મધરાતે વિશેષ ટૂકડી બોલાવી લોકઅપ ચેક કરાવ્યું હતું અને ભાંડો ફૂટતા જ આ અંગે ગુનો નોંધી પીએસઆઇની ધરપકડ કરી લેવામા આવી હતી. અને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

પીએસઆઇને વ્યાજખોર સાથે સાંઠગાંઠ હોવાથી વીઆઇપી ટ્રીટમેન્ટ અપાઇ

જો પોલીસ જ આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી લે તો પિડીતોને ન્યાય કયાંથી મળશે ?. આ વાત ડુંગરના પીએસઆઇ વી.વી.પંડ્યા કદાચ ભુલી ગયા હતા. ડુંગરના વ્યાજખોર અલારખ બાલુ ગાહા સહિત ચાર શખ્સોની તેમની સામે ગત પખવાડીએ નોંધાયેલી ફરિયાદ સબબ ધરપકડ કરાઇ હતી અને અદાલતમા રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. જો કે પીએસઆઇ પંડ્યાના અલારખ ગાહા પર ચાર હાથ હતા. જેથી આ વ્યાજખોરને રાત પોલીસ લોકઅપમાં વિતાવવી ન પડે તે માટે ઘરે ચાલ્યા જવાની છૂટ અપાઇ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીને આ પ્રકારની વીઆઇપી ટ્રીટમેન્ટ અંગે જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયને બાતમી મળતા તેમણે તાબડતોબ રાજુલાના પીઆઇ એ. પી. ડોડીયાને તપાસ માટે દોડાવાયા હતા. મધરાતે 12 વાગ્યે તેઓ ડુંગર પોલીસ મથકે દોડી ગયા હતા અને લોકઅપ ચેક કરતા અલારખ બાલુ ગાહા તેમા ન હતો. તે પોતાના ઘરે હોવાની બાતમીના આધારે તેના ઘરે જઇને તપાસ કરતા જ તે મળી આવ્યો હતો. જેને પગલે જિલ્લા પોલીસવડાની સુચનાથી ડુંગર પોલીસ મથકમા પીએસઆઇ વી.વી.પંડ્યા તથા અલારખ ગાહા સામે ગુનો નોંધાયો હતો અને પીએસઆઇની ધરપકડ કરી હતી.

ત્રણ પુત્રો લોકઅપમાં પણ પિતા ઘેર હતાં 

રાજુલા પીઆઇ દ્વારા જ્યારે લોકઅપની તપાસ કરાઇ ત્યારે ચાર આરોપી પૈકી અજીત અલારખ ગાહા, અસીર અલારખ ગાહા અને અમીન અલારખ ગાહા લોકઅપમાં હતા. જ્યારે આ ત્રણેય આરોપીના પિતા અલારખ બાલુ ગાહા ગેરહાજર નજરે પડ્યો હતો.

2 લાખના 11.22 લાખ ચૂકવ્યા છતાં ધમકી આપતા હતા

રાજુલાના ડુંગરમા રહેતા ગોરધનભાઇ દામજીભાઇ પીપળીયાના પુત્રને કેન્સરની બિમારી હોય ઓપરેશન માટે નાણાની જરૂર પડતા અલારખ બાલુ ગાહાએ રૂપિયા બે લાખ પ્રતિ માસ આઠ ટકાના ઉંચા વ્યાજે આપ્યા હતા. ઉપરાંત તેની જમીન પણ વાવવા રાખી લીધી હતી. બે લાખની સામે ત્રણ લાખની રોકડ અને ફારમની રકમ મળી 11.22 લાખ વસુલ્યા હતા. આમ છતા વધુ 80 હજાર માટે મારી નાખવાની ધમકી આપતા હોય અલારખા સહિત ચાર સામે ગુનો નોંધાયો હતો. આ ફરિયાદને પગલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમને કસ્ટડીમાં લીધા હતાં.

આરોપી લોકઅપ બહાર મુકાશે તો પોલીસ સામે પણ ગુનો નોંધાશે

પોલીસવડા નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે આવા ગુનેગારોને ખુલ્લા છોડવા ન જોઇએ. અયોગ્ય રીતે આરોપીને લોકઅપ બહાર મુકાશે તો પોલીસ સામે પણ ગુનો નોંધાશે. સામાન્ય પ્રજાની જેમ અમે પોલીસ પણ કાયદાથી બંધાયેલા છીએ. કોઇ પોલીસકર્મી આવુ કૃત્ય કરશે તો તેની સામે કાયદાથી કામ લેવાશે.-પોલીસવડા, નિર્લિપ્ત રાય

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments