અમરેલી:બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારે નવું નિવાસ સ્થાન બનાવ્યું છે. માવજીજવા ગામ નજીક પ્રથમ વખત સિંહણ અને સિંહબાળ પરિવાર સાથે આવી ચડતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પંથકના ખેડૂતોએ પ્રથમ વખત સિંહ દર્શન કર્યા છે.મોટાભાગે સિંહો લીલીયા, રાજુલા, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા અને ખાંભા વિસ્તારમાં વસવાટ કરે છે. જેથી બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારે પોતાનું નવુ નિવાસ સ્થાન બનાવ્યું છે. આ સાથે જ મોણવેલના ડુંગર પર 20થી વધુ સિંહોની લટાર જોવા મળી હતી.
20થી વધુ સિંહોની લટારનો વીડિયો વાઈરલ થયો
ખાંભા પંથકના ધારીના મોણવેલ નજીક ડુંગર પર 20થી વધુ સિંહ જોવા મળ્યા હતા. માખી-મચ્છરોથી ત્રસ્ત થયેલા સિંહો પવન ખાવા માટે ઉંચાઈ પર પહોંચ્યા હતા. મહત્વનું છે કે અમરેલી અને ગીર પંથકમાં પડી રહેલા વરસાદના પગલે સિંહ પરિવાર ઉંચાઈ વાળા વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરે છે.હાલ આ સિંહ પરિવારની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.