લોન્ચિંગ : અમૂલે હળદરની ફલેવરનો આઈસક્રીમ લોન્ચ કર્યો, ઇમ્યુનિટી બૂસ્ટર કેટેગરીમાં વધુ પ્રોડક્ટ લાવશે

0
4

કોરોના આવ્યા બાદ પ્રતિકારક શક્તિ વધારતા ઉત્પાદનોની માગ ઘણી વધી છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને (GCMMF) એપ્રિલથી અત્યાર સુધીમાં ઇમ્યુનિટી વધારતી પ્રોડક્ટ કેટેગરી વિકસાવી છે અને તેમાં સતત નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. હવે અમુલે ઈમ્યુનિટી બુસ્ટર રેન્જને આઈસક્રીમ કેટેગરીમાં પણ વિસ્તારી છે. અમૂલે સૌ પ્રથમ વખત હળદર, મરી, મધ તથા ખજૂરના ગુણ ધરાવતો હલ્દી આઈસક્રીમ લોન્ચ કર્યો છે.

હળદરને સદીઓથી તંદુરસ્તી વર્ધક માનવામાં આવે છે

અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું કે, સદીઓથી આયુર્વેદ જેવી પરંપરાગત પધ્ધતિઓ દ્વારા હળદરનો તંદુરસ્તી વધારવા માટે તાજા અને સૂકા મસાલા પાવડર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દૂધ પહેલાથી જ શક્તિવર્ધક છે. અમે આ બંનેના સમન્વય કરી ને દુનિયાનો સૌથી પહેલો હળદરના સ્વાદનો આઈસક્રીમ રજુ કર્યો છે. હલ્દી આઈસક્રીમને ઉત્તર અને પશ્ચિમ ભારતના દૈનિક 5 લાખ પેકની ક્ષમતા ધરાવતા અદ્યતન ઉત્પાદન એકમમાં પેક કરવામાં આવ્યો છે.

આદુ, તુલસી ફ્લેવરના આઈસક્રીમ લોન્ચ કરશે

આ આઈસક્રીમ 125 mlના કપ પેકીંગમાં રૂ. 40માં ઉપલબ્ધ છે. આ રેન્જને આગળ ધપાવવા માટે અમૂલ હળદર, આદુ અને તુલસીનો સમન્વય ધરાવતો સ્વાદિષ્ટ ટ્રાય-કલર આઈસક્રીમ ઈમ્યુનો ચક્ર આઈસક્રીમની 60 mlની સ્ટીક ટૂંક સમયમાં આવશે. તે ઉપરાંત અમૂલ દ્વારા 200 mlના કેનમાં સ્ટાર અનીસ દૂધ પણ રજૂ કરવામાં આવશે. દેશભરના ગ્રાહકોને રેડી ટુ ડ્રીન્ક વિકલ્પો પૂરાં પાડવા માટે અમૂલે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા પીણાંની રેન્જ તરીકે અમૂલ હલ્દી દૂધ, અમૂલ તુલસી દૂધ, અમૂલ જીંજર દૂધ અને અમૂલ અશ્વગંધા દૂધ રજૂ કરેલ છે.