વડોદરા : કેલનપુર ગામના તળાવમાંથી 8.5 ફૂટના એક મહાકાય મગરને રેસ્ક્યૂ કરાયો, હજી 2 મગરને પકડવા પાંજરું મુકાયુ

0
4

વડોદરા નજીક આવેલા કેલનપુર ગામમાંથી વાઈલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે 8.5 ફૂટના મહાકાય મગરને રેસ્ક્યૂ કર્યો છે અને મગરને વડોદરા વન વિભાગમાં લઇ જવામાં આવ્યો છે.

તળાવમાં મગર હોવાથી લોકો ખેતરમાં જઇ શકતા નહોતા

વાઈલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટનાં પ્રેસિડેન્ટ અરવિંદ પવારને કેલનપુર ગામના સરપંચે જાણ કરી હતી કે, અમારા ગામના ખેતર પાસેના એક તળાવમાં 3 મહાકાય મગર આવી ગયા છે. જે રાત્રે તળાવમાંથી નીકળીને ઘરના વાડામાં અને ખેતરમાં આવી જાય છે, જેથી અમને ખેતરમાં કામ કરવા પણ જઇ શકતા નથી. જેથી વાઈલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને વડોદરા વન વિભાગના અધિકારી શૈલેષભાઇ રાવલ કેલનપુર ગામમાં પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ મગરને પકડવા માટે એક પાંજરું મૂક્યું હતું. આ પાંજરામાં આજે  સવારે 8.5 ફૂટનો મહાકાય મગર પાંજરે પુરાયો હતો. આ મગરને સહી સલામત રીતે પકડીને વડોદરા વન વિભાગની કચેરી ખાતે લઇ જવામાં આવ્યો હતો.

બીજા બે મહાકાય મગરને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું 

મહાકાય મગર પકડાઇ જવાથી  ખેતરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને હજી બીજા બે મહાકાય મગર હોવાથી વાઈલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ અને વડોદરા વન વિભાગ દ્વારા બીજા મગરોને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું છે.