વડોદરા : નેશનલ હાઇવે પર હોટલમાં આઈસ્ક્રીમ ખાવા ઉભેલા અમદાવાદના વેપારીના પાકિટમાં મૂકેલા રૂ. 5 હજાર ચોરીને ગઠીયો ફરાર

0
9

નેશનલ હાઇવે નં-48 ઉપરની હોટલ ખાતે આઈસ્ક્રીમ ખાવા ઉભેલા અમદાવાદના વેપારીનું રોકડ રકમ ભરેલું પાકિટ સેરવીને ગઠીયો ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ગુનો નોંધીને હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના વેપારી મિત્રો સાથે અંગત કામથી કરજણ ગયા હતા

અમદાવાદ શહેરના રહેવાસી પોપટભાઈ મોદી ટેક્સટાઇલ મશીનરીનો વેપાર કરે છે, તેઓ પોતાના અંગત કામથી મિત્રો સાથે કરજણ ગયા હતા. તે સમયે નેશનલ હાઇવે નં-48 પર આવેલ વડોદરા હોટલ કમ્ફર્ટ ઇન ખાતે આઈસ્ક્રીમ ખાવા માટે કાર ઊભી રાખી હતી. તેઓ આઈસ્ક્રીમ લેવા માટે કાઉન્ટર પર ઉભા હતા. તે વખતે તેઓના પેન્ટના ખિસ્સામાંથી અજાણ્યા વ્યક્તિએ નજર ચૂકવીને પાકીટની ચોરી કરી લીધી હતી. જેમાં રોકડા 5 હજાર રૂપિયા, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, એટીએમ કાર્ડ તથા અગત્યના દસ્તાવેજ હતા. આ બનાવ અંગે તેઓએ હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હાઇવે પરની હોટલમાં મુસાફરોના પાર્ક કરેલા વાહનોમાંથી પણ ચોરીઓ થાય છે

નોધનીય છે કે, તાજેતરમાં કરજણ હાઇવે ઉપરની હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલી બસમાંથી મુંબઇના વેપારીનો મુદ્દામાલ ચોરાયો હતો. હાઇવે ઉપરની હોટલો ઉપર અવારનવાર પાકિટ ચોરી, પાર્ક કરેલી બસોમાંથી સામાનની ચોરીના બનાવો બન્યા છે. હોટલની બહાર CCTV પણ લગાવેલા હોય છે, તેમ છતાં ચોર ટોળકીને પોલીસ પકડી શકતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here