રોષે ભરાયેલા હાર્દિકે સરકાર પર માર્યા શાબ્દિક ચાબખા, ‘ખેડૂતો હક્ક માગે છે ભીખ નહીં’

0
10

સૌરાષ્ટ્રમાં અનિયમિત અને ભારે વરસાદ બાદ વાવાઝોડા અને માવઠાનાં કારણે કપાસ, મગફળી, કઠોળ સહિતનાં પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે, છતાં બેધ્યાન રહેલી સરકાર સામે ધરતીપુત્રો માં પ્રસરેલા રોષને ઉગ્ર આંદોલનનાં માર્ગે લઇ જવા આજે રાજકોટ જિલ્લાનાં પડધરીમાં ‘ખેડૂત સત્યાગ્રહ’ નામે સવારથી સાંજ સુધી કોંગ્રેસ અને પાટીદાર નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું.

ખેડૂતોનું દેવું માફ કરવા અને તાત્કાલિક પાક વીમો પુરેપુરો ચુકવી આપવા સહિતની માગણીઓ સાથે આજે સવારે શરૂ થયેલા ઉપવાસ આંદોલન સમયે સરકારને શાબ્દિક ચાબખા મારતા હાર્દિક પટેલે જણાવ્યું કે, અનિયમિત ચોમાસા અને માવઠા – વાવાઝોડાનાં કારણે ખેડૂતોની સ્થિતિ દિવસે – દિવસે ખરેખર કપરી બનતી જાય છે.

આમ છતાં સરકાર આંખ મીચામણા કરે છે. ધરતીપુત્રો આપઘાતનાં માર્ગે વળશે તો સરકાર જવાબદાર ગણાશે. આવા સંજોગોમાં ખેડૂતોએ એક થવાની જરૂરી છે. સરકારને જગાડવા માટે ખેડૂતોએ હક્કની લડાઇ લડવી પડશે. ભાજપ સરકારનાં નેતાઓ સામે ખેડૂતોએ કલમ – ૧૪૪ લગાવીને પોતાનાં વિસ્તારોમાં પ્રવેશબંધી લાદવી પડશે.

સરકાર સામે ઉગ્ર લડતનું એલાન કરતા વધુમાં જણાવ્યું કે, લાચાર ખેડૂતો સાથે સરકારની મીલીભગતથી ગંદી રાજરમત રમતી વીમા કંપનીઓને પણ જરૂર પડયે તાળાબંધી કરાશે. ખેડૂતોનાં હીત માટે જીવ દેવો પડશે તો દઇશ. આજે ખરેખર વિઠ્ઠલભાઇ રાદડીયા જેવા ખેડૂત નેતાની ખોટ પડી રહી છે.

ખેડૂતોની માગણી વ્યાજબી છે, તેમને ૧૦૦ ટકા પાક વીમો મળવો જોઇએ અને લીલો દુષ્કાળ જાહેર કરીને દેવા માફી કરવી જોઇએ. આમ પણ આજે સાત કલાકનાં ઉપવાસ કર્યા તો રેલો આવ્યો છે અને ૭૦૦ કરોડની સહાયની જાહેરાત કરી દીધી છે. પરંતુ આ સહાય અપુરતી છે.ખેડૂતો હક્ક માંગે છે, ભીખ નહીં. એ સરકારે સમજી લેવું જોઇએ.

પડધરીમાં આજે ખેડૂત સત્યાગ્રહ ઉપવાસ – આંદોલનમાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલીત કગથરા અને રાજકોટ જિલ્લા કિસાન સંઘનાં પ્રમુખ દિલીપભાઇ સખીયા સહિતનાં અનેક આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતા. તેઓએ પણ સરકાર અને વીમા કંપનીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો કે, ખેતી – પાકની નુકસાનીનાં સર્વેના નાટકો બંધ કરીને તાકીદે ખેડૂતોને ૧૦૦ ટકા પાક વીમો ચુકવી આપવો જોઇએ. એક મુખ્યમંત્રી માટે ૨૦૦ કરોડનું વિમાન ખરીદવામાં આવે અને બે લાખ ખેડૂતોને ફકત ૭૦૦ કરોડની સહાય જાહેર કરવામાં આવે એ હળાહળ અન્યાય છે.