સત્તાવાર આંકડાઓમાંથી જાણકારી મળે છે કે કર્ણાટકમાં દર સપ્તાહે માનવ-પશુસંઘર્ષમાં સરેરાશ એક વ્યક્તિનું મોત થાય છે. વન વિભાગ અનુસાર આ પ્રકારનો સંઘર્ષ મોટાભાગે રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા બન્નેરઘટ્ટા, ચામરાજનગર, મૈસૂર, કોડાગુ અને હસનથી લઇને ચિકમંગલુર બેલ્ટ વિસ્તારમાં નોંધાય છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર પાછલા એક દાયકામાં જંગલી જાનવરોના હુમલામાં 600થી વધારે લોકોના જીવ ગયા છે, જેમાંના મોટાભાગના હુમલા હાથીઓના હતાં. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરામૈયાએ આ પ્રકારની ઘટનાઓને પોતાની સરકાર સામેના એક જ્વલંત પડકાર જાહેર કર્યો છે. વન વિભાગના આંકડા અનુસાર કર્ણાટકમાં 2010-11 અને 2023-24 (આ વર્ષના માર્ચ) સુધીના ગાળા દરમિયાન માનવી અને પશુ વચ્ચેના સંઘર્ષમાં કુલ 618 લોકોના મોત થયાં છે. તેમાં હાથીઓના હુમલામાં 416 લોકો માર્યા ગયાં છે જ્યારે ચિત્તા દ્વારા 38, રીંછ દ્વારા 36, વાઘ દ્વારા 34 અને જંગલી સુવર દ્વારા 32 લોકોના મોત થયાં છે.
એક વન અધિકારીએ જણાવ્યું હતું કે જંગલોની અંદર ઘણું બધું નીંદણ ઉગવા લાગ્યું છે. આ ઉપરાંત સંરક્ષણના પ્રયાસોના કારણે જંગલમાં જાનવરોની ખાસ કરીને હાથીઓની વસતીમાં નોંધપાત્ર વધારો થયો છે. તેને પગલે હવે આવાસોમાં સુધારાની જરૂર છે. સતત દેખરેખના કારણે ગેરકાયદે શિકારમાં ઘટાડો થયો છે અને જાનવરો વધી રહ્યા છે. પહેલાં મોટી માત્રામાં ઘાસના મેદાનો ઉપલબ્ધ હતાં પણ હવે નીંદણનું પ્રમાણ વધી ગયું હોવાના કારણે જાનવરો જંગલની બહાર આવી રહ્યા છે અને તેથી સંઘર્ષ થાય છે. આ સમસ્યાના સમાધાન માટે આપણે જંગલની સીમા પર ઉચિત બેરિકેડ્સ લગાવવાની જરૂર છે. આ ઉપરાંત રેલ બેરિકેડ્સ, સૌર વાડ અને હાથી વિરોધી ખાઇઓની આવશ્યકતા છે.
રાજ્યના ચીફ વન સંરક્ષક(વન્ય જીવ) સુભાષ કે માલખેડેએ જણાવ્યું હતું કે ફક્ત હાથી જ નહીં આપણે વાઘ, ચિત્તા અને રીંછ સાથે પણ સંઘર્ષ કરી રહ્યા છીએ. અમારો ફીલ્ડ સ્ટાફ ખૂબ જ ટેન્શનમાં છે. માનવ-પશુ વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે અમને અન્ય વિભાગોની મદદની પણ જરૂર રહે છે કેમ કે તે અચાનક હોય છે. અમારો વિભાગ ફક્ત જાનવરોના સંરક્ષણના પ્રયાસો જ નથી કરતું પણ સાથોસાથ માનવીઓને પણ મરતા બચાવી રહ્યા છીએ. નોંધનીય છે કે રાજ્યના બજેટમાં સરકારે વન્યજીવોની રક્ષા કરતાં જંગલો અને પાકની સીમા પર રહેતાં લોકોને જંગલી જાનવરોથી બચાવવાની દિશામાં ઉઠાવવામાં આવી રહેલાં ઉપાયોની રૂપરેખા તૈયાર કરી હતી.