સુરતથી કિમ જતાં એક વૃદ્ધ દંપત્તીને કાર ચાલકે અડફેટે લઈ નાસી ગયો હતો. અકસ્માત બાદ પતિ-પત્ની પૈકી મહિલાનું મોત નીપજ્યું હતું. વૃદ્ધ દંપત્તી સંબંધીની બીમાર દીકરીની ખબર અંતર પૂછવા જતા હતાં. વયસ્ક રાઠોડ દંપતીને અડફેટે લેનાર કાર ચાલકને પોલીસે કિમ ચાર રસ્તા પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક અમૃતાબેન રાઠોડનો એકનો એક દીકરો સુરત પાલિકાના આરોગ્ય વિભાગનો કર્મચારી છે. માતાના મોતની ખબર મળ્યા બાદ પુત્ર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ફોઈની દીકરીની ખબર પૂછવા જતા હતા-દીકરો
મૃતક અમૃતાબેનના દીકરા સંજયએ જણાવ્યું હતું કે, હું ચાર બહેનોનો એકનો એક ભાઈ અને માતા-પિતાનો એકનો એક દીકરો છું. કિમના બોલાવ ગામે રહેતી ફોઈની દીકરી બીમાર હોવાની વાત સાંભળી માતા-પિતા આજે મોપેડ પર ઉગતથી કિમ જવા નીકળ્યા હતા. ત્યારબાદ સવારે 10:30 વાગે પોલીસે ફોન કરી માતા-પિતાના મોપેડનો અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું આ સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પિતાને ફ્રેક્ચર થયા
અકસ્માત બાદ તાત્કાલિક માતા-પિતાને સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યા માતાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે આ વાતથી ઇજાગ્રસ્ત પિતા અજાણ છે. એમને પણ પગે અને ખભે લગભગ ફેક્ચર છે. બીજી અનેક નાની મોટી ઇજાઓ થઈ છે. કારનો ચાલક પકડાઈ ગયો હોવાનું હાલ પોલીસ કહી રહી છે.