વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલી 3 માળની આર.આર. ફ્રૂટ્સ નામની જથ્થા બંધ ફ્રૂટની દુકાનમાં નોકરી કરતો કર્મચારી દુકાનમાં આવેલી લિફ્ટમાં ફસાઈ જતા મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ પરિવારજનોને થતાં મૃતદેહને લઈ ઘરે પહોંચી ગયા હતા, જોકે, પોલીસે કાર્યવાહી કરવા માટે મૃતદેહ લેવાની તજવીજ હાથ ધરી છે. લિફ્ટમાં ફસાયેલા યુવાનનું માથું ફસાઈ જતા અવાજ આવ્યો હતો. જેને લઈને માલિક અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ દોડધામ CCTVમાં કેદ થઈ ગઈ હતી.
યુવાન ફ્રૂટ્સ લઈને લિફ્ટમાં ત્રીજા માળે ગયો હતો
વડોદરા શહેરના દંતેશ્વરમાં કાન્હાભાઇ ભરવાડ પરિવાર સાથે રહતો હતો. 15 દિવસ પહેલા જ ખંડેરાવ માર્કેટ પાસે આવેલા આર.આર. ફ્રૂટ્સમાં નોકરી પર લાગ્યો હતો. આજે બપોરના સમયે ફ્રુટ શોપના માલિક રમેશભાઇ પોતાના કાઉન્ટર પરની ખુરશીમાં આરામ ફરમાવી રહ્યા હતા, ત્યારે સંજય નામનો કર્મચારી કામ કરી રહ્યો હતો. આ દરમિયાન કાન્હા ભરવાડ ફ્રુટ્સનો જથ્થો લઈને લિફ્ટમાં ત્રીજા માળે ગયો હતો. આ દરમિયાન એકાએક અવાજ આવતા સંજય દોડી ગયો હતો. જ્યાં તેણે લિફ્ટમાં માથું ફસાઈ જતા મોતને ભેટેલા કાન્હાને જોઈ ચોંકી ઉઠ્યો હતો.
લોહીના ફુવારા ઉડતા દુકાન માલિક સ્તબ્ધ થઈ ગયા
લિફ્ટમાં માથું આવી જતા લોહીના ફુવારા ઉડ્યા હતા અને આ લોહી દુકાનના ગ્રાઉન્ડ ફ્લોર સુધી આવી પહોંચ્યું હતું. દુકાનના માલિક પણ ઘટના જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ કાન્હા ભરવાડના પરિવારજનોને કરાતા 15 જેટલા લોકો દુકાન પર દોડી આવ્યા હતા. આ સાથે આ બનાવની જાણ નવાપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. જોકે, પોલીસ આવે તે પહેલાં પરિવારજનો કાન્હાનો મૃતદેહ લઈને અંતિમવિધિ કરવા માટે રવાના થઈ ગયા હતા.
પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી
દરમિયાન દુકાન પર પહોંચેલી પોલીસને મૃતદેહ પરિવારજનો લઈ ગયા હોવાની જાણ થતાં તુરંત જ પોલીસ મૃતકના ઘરે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી માટે લાશનો કબજો મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આજે બપોરના સમયે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી. બીજી બાજી નવાપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી CCTV ફૂટેજ મેળવીને આગળની તપાસ હાથ ધરી છે.