ભારતભરમાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય

0
47

બિન નિવાસી પ્રભાગના રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભારતભરમાં વસતા ગુજરાતીઓને રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી બનાવવા તથા તેઓની સમસ્યાઓના નિરાકરણ માટે અખિલ ભારતીય ગુજરાતી સમાજ સંકલન સમિતિની રચના કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, આ સંકલન સમિતિના મુખ્ય સંવર્ધક તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધ્યક્ષ તરીકે એન.આર.જી મંત્રી પ્રદિપસિંહ જાડેજા રહેશે. સમિતિની બેઠક વર્ષમાં બે વાર મળશે. તેમજ સમિતિ એન.આર.જી.ના વિવિધ પ્રશ્નો તથા રાજ્ય સરકારની ભૂમિકા અંગે પરામર્શ કરશે. સાથે સાથે રાજ્યની સંસ્કૃતિ ધરોહર સમાન કલા-વારસાના જતન અને આદાન-પ્રદાન સહિત રાજ્ય સરકારના વિવિધકાર્યક્રમોમાં તેમની સહભાગીતા માટેના પ્રયાસો કરાશે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, બિન-નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક જાળવવા/ગુજરાતી સંસ્કૃતિની જાળવણી કરવા, બિન નિવાસી ગુજરાતીઓ પોતાના જ્ઞાન – કૌશલ્ય અને નાણાકીય સ્ત્રોતોનો ઉપયોગ કરી રાજયના વિકાસમાં સહભાગી બની શકે અને તેઓના પ્રશ્નો અને સમસ્યાઓના હકારાત્મક ઉકેલ લાવી તેઓને ગુજરાતીપણાનો અહેસાસ કરવાના ઉદ્દેશથી રાજ્ય કક્ષાએ બિન-નિવાસી ભારતીય પ્રભાગ અને તેની હેઠળ ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન કાર્યરત છે. ભારતભરમાં આવેલા ગુજરાતી સમાજોને એક છત્ર (Under One Umbrella) નીચે લાવી તેઓને ગુજરાત સરકારની વિવિધ કામગીરી, યોજનાઓ અને પ્રવૃત્તિઓથી વાકેફ કરાવી તેઓને ગુજરાતના વિકાસમાં જોડવા તેમજ તેઓની અપેક્ષા અને સમસ્યાઓ જાણી તેના નિરાકરણ લાવવાના હેતુથી દેશભરના કાર્યરત ગુજરાતી સમાજોની એક ‘અખિલ ભારતીય ગુજરાતી સમાજ સંકલન સમિતિ’ ની રચના કરવાનો રાજ્યના સંવેદનશીલ, કાર્યનિષ્ઠ અને દુરંદેશી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે.

તેમણે ઉમેર્યુ કે, આ સંકલન સમિતિના સભ્યો તરીકે સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોના રજીસ્ટર્ડ ગુજરાતી સમાજોના પ્રમુખો / મંત્રીઓ રહેશે અને અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ પૈકી રાજ્ય સાથે સતત જોડાયેલા ખ્યાતનામ બિન-નિવાસી ગુજરાતીઓ પૈકી કેટલાકનો સમાવેશ કરાશે. ગુજરાત પ્રવાસન નિગમ લી., યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ઇન્ડેક્ષ્‍ટ-સી જેવાં સરકારી સાહસોના વડા આમંત્રિત સભ્ય તરીકે રહેશે. આ સમિતિની વર્ષમાં બે બેઠક મળશે. એક બેઠક ગુજરાત રાજ્યમાં અને અન્ય બેઠક યજમાન રાજ્યમાં મળશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આ સમિતિ બિન-નિવાસી ગુજરાતીઓ માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી કામગીરી ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમો જેવા કે, રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મોનસુન ફેસ્ટીવલ, વાઇબ્રન્ટ ગુજરાતની જાણકારી આપશે અને તેઓના પ્રશ્નો અને તેના નિરાકરણ, રાજ્યના પ્રવાસન અને રોકાણને વેગ આપવા અંગે સહયોગ તેમજ ગુજરાતીઓ જ્યારે અન્ય રાજ્યના પ્રવાસે હોય અને કોઇ કુદરતી આપત્તિ ઉભી થાય ત્યારે સંકલન અને મદદ જેવા મુદ્દા અંગે બેઠકમાં ચર્ચા કરશે. તેમજ ભારતભરના ગુજરાતી સમાજો એક બીજાની પ્રવૃત્તિથી માહિતગાર થાય અને ઉત્કૃષ્ટ કામગીરી કરતા ગુજરાતી સમાજોને પ્રોત્સાહિત કરવા અને અન્ય સમાજો આવી ઉત્કૃષ્ટ પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય તેવા મુદ્દા પણ આવરી લેવાશે.

બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ માહિતી આપતા વધુમાં ઉમેર્યું કે, આ સમિતિના ગઠનથી દેશભરના બિન-નિવાસી ગુજરાતીઓ તેઓના ગુજરાતી સમાજ મારફત રાજ્યની વિકાસની માહિતી અને અન્ય કાર્યક્રમોની જાણકારી મેળવી શકશે અને તેઓના પ્રશ્નો ગુજરાતી સમાજના માધ્યમથી રાજ્ય સરકારને જણાવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here