આંકલાવ તાલુકાની હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલો વર્ષ 2023માં આપવામાં આવનાર હતી, પરંતુ તંત્રની લાપરવાહીના કારણે કન્યાઓને વિતરણ કરવાની સાયકલો છેલ્લા દોઢ વર્ષથી આંકલાવ કેળવણી મંડળના ખુલ્લા મેદાનમાં કાટ ખાઈ રહી છે.
ત્યારે સાયકલ વિતરણ કરતી એજન્સી દ્વારા કાટ ખવાયેલી સાયકલોને સાફ કરી રંગ રોગાન કરી જૂની સાયકલો કન્યાઓને પધરાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. આંકલાવ કેળવણી મંડળના મેદાનમાં છેલ્લા દોઢ વર્ષથી આ સાયકલો કાટ ખાઈ રહી છે. વરસાદ દરમિયાન પણ ખુલ્લામાં સાયકલો પડી રહેતા તેના ચેન ચક્કર સહીતના સ્પેરપાર્ટમાં કાટ લાગી જતા તેમજ સાયકલોની આસપાસ ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે, જ્યારે પાછળ બ્રેકલાઈટના બકલો પણ તુટી ગયા છે અને સાયકલો ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે.
દોઢ વર્ષ બાદ જાગેલા તંત્ર દ્વારા અચાનક સાયકલ વિતરણ કરવા માટેનું નક્કી કરાતા સાયકલ વિતરણ કરતી એજન્સી ગ્રીમકોની ટીમના કર્મચારીઓ દ્વારા કાટ ખવાયેલી સાયકલોને સાફ કરી કાટ પર રંગરોગાન કરી જૂની કાટ ખવાયેલી સાયકલોને નવા કલેવર પહેરાવીને વિદ્યાર્થીનીઓને પધરાવવા માટે સાયકલોને રંગરોગાન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, એક તરફ રાજય સરકાર દ્વારા જુની કાટ ખવાયેલી સાયકલોને પરત લઈને નવી સાયકલોનું વિતરણ કરવા માટેના આદેશ આપેલ હોવા છતાં તંત્ર અને એજન્સીની મિલીભગતથી કાટ ખવાયેલી જૂની સાયકલોને રંગરોગાન કરી સાયકલો વિતરણ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.
આ અંગે વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ મામલે મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જે તે સમયે મંત્રી ઋષિકેશ પટેલે સાયકલ કૌભાંડમાં તપાસની જાહેરાત કરી હતી અને પરંતુ આ મામલે તપાસ કરાઈ નથી અને જો કરવામાં આવી છે તો તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. આ જૂની ભંગાર બની ગયેલ સાયકલોને રંગરોગાન કરી લાભાર્થીઓને પધરાવવાનો પાછલા બારણે ખેલ ચાલી રહ્યો છે જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ.