આણંદ : ખેડૂતોને મળ્યો વીમા યોજનાનો લાભ

0
1

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને અકસ્માત વીમા યોજનાનો લાભ આપવામાં આવે છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં બે વર્ષમાં 162 ખેડૂત ખાતેદારોને રૂા. 3.24 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળની ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ યોજના હેઠળની અપંગતાની ઘટનામાં વીમા રક્ષણમાં અગાઉ મૃત્યુ સહાયમાં 1 લાખ અને કાયમી અપંગતામાં 50 હજારની સહાય આપવામાં આવતી હતી. જેમાં વધારો કરવા છેલ્લા ઘણા સમયથી માંગ થતી હતી. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા વર્ષ 2018 માં નવેમ્બર માસમાં નવો ઠરાવ કરવામાં આવ્યો હતો.

વહીવટી તંત્રએ અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતા ના કિસ્સામાં 100 ટકા લેખે રૂા. 2 લાખ, બે આંખ કે અંગ ગુમાવવાના કિસ્સામાં પણ રૂા. 2 લાખ અને અકસ્માતમાં એક આંખ કે એક અંગ ગુમાવવાના કિસ્સામાં 50 ટકા લેખે રૂા.1 લાખ સહાય આપવાનો ઠરાવ કર્યો છે.

આ ઉપરાંત આ યોજનામાં ખાતેદાર ખેડૂતના હયાત પ્રથમ સંતાન પુત્ર, પુત્રી ના બદલે ખેડૂતના કોઈપણ સંતાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ખેડૂત ખાતેદારની વારસદાર નોંધ માટે નિયત સમય મર્યાદામાં નામ નોંધાયેલુ હોવાનો અગાઉ નિયમ હતો જેમાં ફેરફાર કરીને વ્યકિતિગત કે સંયુકત ખાતા ધરાવતા તમામ ખાતેદાર ખેડૂતો એટલે કે મહેસુલી રેકર્ડ મુજબ 7-12 અને 8 અ તેમજ ગામના નમૂના નંબર 6 માં અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા ખાતેદાર ખેડૂતોને લાભ મળવાપાત્ર હોવાનું ઠરાવ્યા બાદ આ ખેડૂતોમાં આનંદ વ્યાપી હોવાનું જોવા મળેલ છે.

જરૂરી પુરાવાના અભાવે 49 જેટલા અરજીઓ હાલ પેન્ડીંગ

આણંદ જિલ્લા ખેતીવાડીઅધિકારી ચિંતનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત બે વર્ષમાં કુલ 211 અરજીઓ સહાય માટે આવી છે. જેમાં મોટાભાગની મૃત્યુ સહાયની અરજીઓ છે. જયારે કાયમી અપંગતામાં સહાયની પાંચ કરતાં પણ ઓછી અરજી છે. જરૂરી પુરાવાના અભાવે 49 જેટલા અરજીઓ હાલ પ્રગતિમાં અને પેન્ડીંગ સ્થિતિમાં છે. જે અંગે ખાતેદાર ખેડૂતોના અરજદારોને પુરાવા પૂર્તતા માટે લેખિત જાણ કરવામાં આવી છે. વર્ષ 2019-20 માં 112 અરજીઓ વીમા સહાય યોજનામાં થઈ હતી. જેમાં 89 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જયારે 23 અરજીઓ પ્રગતિમાં છે. જયારે વર્ષ 2020 -21 માં અરજીઓની સંખ્યામાં ઘટાડો થતાં માત્ર 99 અરજદારોએ સહાય માટે અરજી કરી હતી. જેમાં 73 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જયારે 26 અરજીઓ હાલ પ્રગતિમાં છે.મંજુર અરજીના નાણાં જે તે મૃતક ખેડૂત ના વારસદારોને બેંકખાતામાં સીધા ટ્રાન્સફર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here