વડોદરા : કોરોનાનો કેસ આવ્યા બાદ આનંદનગર સોસાયટીને સેનેટાઇઝ કરાઇ, લોકોને ખાંસી, ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફો શરૂ થઇ

0
5

કારેલીબાગ વિસ્તારની આનંદનગર સોસાયટીમાં હોમ ક્વોરન્ટીન કરાયેલા કોરોનાગ્રસ્ત વ્યક્તિના ઘર અને સોસાયટીમાં પાલિકા દ્વારા સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી હતી. સેનેટાઇઝની કામગીરી કર્યાં બાદ સ્થાનિક લોકોને ખાંસી, ઉલ્ટી, ગળામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. એ તો ઠીક દવાનો છંટકાવ કરાયા બાદ દરેક ઘરમાં વંદા સહિતની જીવાતો ઉભરાઇ હતી અને મરી ગઇ હતી. પાલિકાના અંધેર તંત્રના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

લોકોને ખાંસી, ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં દોડધામ મચી

વડોદરા શહેરના કારેલીબાગમાં આવેલી આનંદનગર સોસાયટીમાં 560 જેટલા મકાનો આવેલા છે. આનંદનગર સોસાયટીમાં રહેતા એક વ્યક્તિ કોરોના સંક્રમિત થતાં હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. સોસાયટીમાં અન્ય લોકો સંક્રમિત ન થાય તે માટે પાલિકા દ્વારા સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા દવાનો છંટકાવ કરતા જ ખાંસી, ગળામાં બળતરા, ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં કોંગ્રેસના મહિલા અગ્રણી પૂર્ણિમાબેન સિંધકર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની ફરિયાદો સાંભળી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કયા પ્રકારની દવાનો છંટકાવ થયો તેની તપાસ થવી જરૂરી છે અને કાર્યવાહી કરવા માંગણી છે.

કોંગ્રેસના મહિલા અગ્રણી પહોંચી ગયા
(કોંગ્રેસના મહિલા અગ્રણી પહોંચી ગયા)

 

અચાનક જ મને અને પુત્રને ખાંસી શરૂ થઇ ગઇ

સ્થાનિક નેહાબેન પાઠકે જણાવ્યું હતું કે. સવારે પાલિકાની ટીમ સેનેટાઇઝ કરવા આવી હતી. તે સમયે હું મારા પુત્રને હોમ વર્ક કરાવતી હતી. અચાનક જ મને અને પુત્રને ખાંસી શરૂ થઇ હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ શરૂ થઇ ગઇ હતી. જોતજોતામાં સોસાયટીના લોકો વિવિધ ફરિયાદો સાથે એકઠા થઇ ગયા હતા. તેમજ જીવાતો પણ મરી ગઇ હોવાનું જણાવ્યું હતું. સોસાયટીમાં કોઇ જંતુનાશક દવાનો છંટકાવ થયો હોવાનું લાગે છે.

આનંદનગરના રહીશોમાં ભય ફેલાયો
(આનંદનગરના રહીશોમાં ભય ફેલાયો)

 

શ્વાસ લેવામાં તકલીફો શરૂ થતાં લોકોમાં ગભરાટ ફેલાયો

સ્થાનિક મહિલા વનિતાબહેને જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં સેનેટાઇઝની કામગીરીમાં કોઇ જંતુનાશક દવાનો છંટકાવ થઇ ગયો હોય તેવુ લાગે છે. લોકોને ગળામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફો શરૂ થતાં લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

મરી ગયેલી જીવાતો
(મરી ગયેલી જીવાતો)

 

મારી પાસે હજી આવી કોઇ ફરિયાદ આવી નથી

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ.કે. પટેલે જણાવ્યું હતું કે, મારી પાસે હજી સુધી આવી કોઇ ફરિયાદ આવી નથી. આ ઉપરાંત પાલિકાના આરોગ્ય વિભાગના વડા દેવેશ પટેલ મિટીંગમાં હોવાથી વાત થઇ શકી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here