સુરત : કોરોના સંક્રમણ ફેલાવવા માટે રત્નકલાકારોને જવાબદાર ઠેરવાતા રોષ, ધરણા પર બેસનારા પાંચની અટકાયત

0
11

શહેરમાં થોડા દિવસો અગાઉ કોરોના સંક્રમણ ખૂબ વધી ગયેલું. આ અંગે હાઈકોર્ટમાં જવાબ આપતા ગુજરાત સરકારે સુરતમાં સંક્રમણ વધવા પાછળ રત્નકલાકારો જવાબદાર હોવાનું એક કારણ ગણાવ્યું છે. ગુજરાત સરકારના આ જવાબથી રત્નકલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. વરાછા વિસ્તારમાં રસ્તાઓ પર બેનર લગાવીને રોષ પ્રગટ કરવામાં આવ્યો છે. સાથે જ આજે રત્નકલાકારોના સમર્થનમાં પાંચેક લોકો ધરણા પર બેસવા આવ્યાં. માનગઢ ચોક મિની બજાર પર ધરણા પર બેસવા પહેલા જ અટકાયત કરવામાં આવી છે. અટકાયત થયેલામાં કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા સહિતના અન્ય ચારનો સમાવેશ થાય છે.

સરકારના જવાબનો વિરોધ

વરાછા અને કતારગામ વિસ્તારમાં કોરોના કેસ થોડા દિવસો અગાઉ ખૂબ વધી ગયા હતાં. જેથી ગુજરાત હાઈકોર્ટે આ અંગે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં કોરોના સંક્રમણ વધવાના કારણો દર્શાવવાની સાથે સાથે કોરોના સંક્રમણ માટે રત્નકલાકારોને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યાં હતાં. જેથી રત્નકલાકારોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.

રત્નકલાકારોમાં રોષ

રત્નકલાકારોને કોરોના સંક્રમણ માટે સરકારે જવાબદાર ઠેરવતાં વરાછા વિસ્તારમાં રોષ સાથે અપમાન થયાની લાગણી અનુભવતા બેનર મારવામાં આવ્યાં છે. બેનર લાગ્યા બાદ આજે કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકરો અને રત્નકલાકારો સાથે માનગઢ ચોક મિની બજાર ખાતે ધરણા પર બેસવાના હતા. જો કે વરાછા પોલીસે ધરણા શરૂ થાય તે અગાઉ જ કોર્પોરેટર દિનેશ કાછડિયા, કેતન વાણિયા સહિતના પાંચેકની અટકાયત કરી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here