અદાણી ગ્રુપને વધુ એક ઝાટકો : અદાણી ગ્રુપ SEBIના નિયમો ઘોળીને પી ગયું

0
4

અદાણી ગ્રુપને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. મૂડી બજારની નિયમનકાર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના નિયમોનું પાલન નહીં કરવાનો મુદ્દો હવે સંસદ સુધી પહોંચ્યો છે. તેમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) અને SEBI અદાણી ગ્રુપની કંપનીઓની તપાસ કરી રહ્યા છે, તેમ રાજ્યકક્ષાના નાણાં મંત્રી પંકજ ચૌધરીએ ગૃહમાં માહિતી આપી હતી. આ અહેવાલોની શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરો પર અસર જોવા મળી હતી અને શેરોમાં પાંચ ટકા સુધીનો કડાકો બોલાઈ ગયો હતો.

અદાણીનો મુદ્દો સંસદમાં પણ ઉછળ્યો
રાજ્યકક્ષાના નાણાંમંત્રીએ જણાવ્યું કે ઈન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ (ED)તરફથી કોઈ તપાસ હજુ કરવામાં આવી રહી નથી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (FPI)નું હોલ્ડિંગ અદાણી ગ્રુપના શેરોમાં ડે-ટુ-ડે ટ્રેડિંગના આધાર પર છે.

અદાણી ગ્રુપના શેરોમાં ભારે મંદી
આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં 1 ટકાથી 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન રૂપિયા 14.30 એટલે કે 2.08 ટકા ગગડી રૂપિયા 673.70, અદાણી ગ્રીન એનર્જી રૂપિયા 27.70 અથવા 2.76 ટકા ગગડી રૂપિયા 976.15, અદાણી એન્ટરપ્રાઈસિસ રૂપિયા 14.10 અથવા 1.01 ટકા ગગડી રૂપિયા 1380.55, અદાણી ટ્રાન્સમિશન લિ. રૂપિયા 41.15 અથવા 4.07 ટકા ગગડી રૂપિયા 969, અદાણી ટોટલ ગેસ રૂપિયા 42.85 અથવા 4.77 ટકા ગગડી રૂપિયા 856.40 અને અદાણી પાવર રૂપિયા 2.95 અથવા 2.80 ટકા ગગડી રૂપિયા 102.30 રહ્યા હતા.

FPI પાસે રૂપિયા 43,500 કરોડની કિંમતના શેર
અગાઉ મીડિયા અહેવાલોમાં માહિતી આવી હતી કે જૂન મહિનામાં નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી (NSDL)એ 3 FPIના અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. આ ત્રણેય ફંડ પાસે અદાણી ગ્રુપના રૂપિયા 43,500 કરોડની કિંમતના શેર છે. આ અંગે કંપની તરફથી વારંવાર સ્પષ્ટતા આપવામાં આવી હતી કે આ માહિતી પાયાવિહોણી છે.

FPIનું અદાણી ગ્રુપની 4 કંપનીમાં રોકાણ
આ ત્રણેય ફંડોએ અદાણી ગ્રુપની 4 કંપનીમાં રોકાણ કર્યું છે. ત્રણેય ફંડ પાસે અદાણી એન્ટરપ્રાઈઝીસમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા હિસ્સેદારી છે.

શેરની કિંમતો સાથે ચેડા થવા અંગે તપાસ
​​​​​​​
SEBI શેરની કિંમતો સાથે કોઈ પ્રકારના ચેડા કરવામાં આવ્યા હતા કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. આ તપાસ ગયા વર્ષે શરૂ થઈ હતી, જે વર્તમાન સમયમાં ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રુપની છ કંપનીમાં 200-1000 ટકા સુધી વળતર આપ્યું છે. અદાણી ટ્રાન્સમિશનનો શેર 669 ટકા, અદાણી ટોટલ ગેસ 349 ટકા, અદાણી એન્ટરપ્રાઈસિસ 972 ટકા, અદાણી ગ્રીન ગેસ 254 ટકા, અદાણી પોર્ટ 147 ટકા અને અદાણી પાવર 295 ટકા સુધી વળતર આપી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here