રાજકોટમાં વધુ એક મંડળીનું ઉઠમણુ થયું છે. જેમાં અંદાજે 60 જેટલા રોકાણકારોના રૂા. 11 કરોડથી વધુ સલવાઇ ગયા છે. જેને કારણે રોકાણકારો કફોડી સ્થિતિમાં મૂકાયા છે. રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાતા પોલીસે મંડળીના પ્રમુખ અલ્પેશ ગોપાલદાસ દોંગા (રહે. સગુન એપાર્ટમેન્ટ, ફલેટ નં. 201, સત્યમ પાર્ટી પ્લોટની પાછળ, નાનામવા)ની ધરપકડ કરી સોમવાર સુધીના રિમાન્ડ પર મેળવી તપાસ આગળ ધપાવી છે.
આશાપુરા રોડ પર રહેતા રશ્મિનભાઈ ચુનીલાલ પરમાર (ઉ.વ. 57) આશાપુરા મેઇન રોડ રંગુન ક્લોથ સ્ટોર નામની કાપડની દુકાન ધરાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે આઠેક વર્ષ પહેલા સ્વામીનારાયણ સત્સંગી મનસુખભાઇ ગોરસંદીયા સાથે અવારનવાર સત્સંગમાં મુલાકાત થતી હતી ત્યારે તેણે જ આરોપી અને તેની શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળી વિશે વાત કરી હતી.
જેથી આરોપીની વાત ઉપર વિશ્વાસ મૂકી તેણે તેના વિધવા ભાભી કિશોરીબેન વિનોદભાઈ પરમાર પાસે પતિના અવસાન બાદ આવેલી વીમાની રકમનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. જેથી ભાભીનો ઘરખર્ચ નીકળે અને તેની રકમ સલામત રહે. તેણે ભાભીના નામથી 2018ની સાલમાં રૂા. 14 લાખની એફડી કરાવી હતી. બદલામાં દર મહિને 1 ટકા વ્યાજ લેખે રકમ મળતી હતી. પાંચ વર્ષ સુધી નિયમિત વળતર મળ્યું હતું.
આ સમય દરમિયાન આરોપી જુદી-જુદી જગ્યાએ પોતાની જાહેરાત કરતો હતો. જેને કારણે તેના સગા-વ્હાલા અને મિત્ર સર્કલમાં પણ આ બાબતની ચર્ચા હતી. તે જ્યારે આરોપીને મળતા ત્યારે તે એવા પ્રલોભનો આપતો કે તમે તમારા સગા-વ્હાલા અને મિત્ર સર્કલમાં પણ વાત કરો કે અમારી મંડળીમાં રોકાણ કરે, બધાને સોનાના નળિયાવાળા કરી દેવા છે, જરૂર પડે તો બેન્કમાંથી લોન લઇને પણ મારી મંડળીમાં મૂકશો તો પણ તમને નફો જ થવાનો છે.
જેને કારણે આરોપીની વાતમાં આવી તેણે પોતાના મકાન ઉપર બેન્કમાંથી રૂા. 40 લાખની લોન લઇ તેનું 2021માં રોકાણ કરી નાખ્યું હતું. જેમાં તેને 1 ટકા લેખે વળતર મળતું હતું. ડીસેમ્બર-2023 સુધી તેના ખાતામાં નિયમિત રીતે આરટીજીએસથી વળતર જમા થઇ જતું હતું. ત્યાર પછી કોઇ જ વળતર મળ્યું નથી કે મૂળ રકમ પણ પરત થઇ નથી.
આ સમયગાળા દરમિયાન તેના પત્ની બીનાબેનના નામથી રૂા. 3 લાખની એફડી પણ કરાવી હતી. જેનું પણ તેને 2023ની સાલના ઓક્ટોબર મહિના સુધી વળતર મળ્યું હતું. આ જ રીતે તેના સગા-વ્હાલા, મિત્રો અને પરિચિતોએ પણ રોકાણ કર્યું હતું. આ તમામને પણ 2023 ની સાલના ઓક્ટોબર મહિના પછી વળતર મળવાનું બંધ થયું હતું. બાદમાં વળતર મળતું બંધ થયું હતું. કુલ અંદાજે 60 જણા સાથે રૂા. 11 કરોડથી વધુ રકમની છેતરપિંડી થઇ હતી.
આરોપી સામે આ અગાઉ ખેડૂત સાથે છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે
રાજકોટ, : આ કેસની તપાસ કરનાર પીઆઈ હરીપરાએ જણાવ્યું કે આરોપી અલ્પેશ દોંગા સામે આ અગાઉ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ખેડૂત સાથે છેતરપિંડી અને વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાયેલી છે. પ્રાપ્ત માહિતી મુજબ જેતપુરમાં મંડળીના એક એજન્ટે રોકાણકારો દ્વારા થતી ઉઘરાણીથી કંટાળી આપઘાત પણ કરી લીધો હતો.