સુરત : પાંડેસરમાં વધુ એક મર્ડર, સરેઆમ ચાકુના ઘા મારી યુવકની કરી હત્યા

0
3

સુરતમાં હત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. મોડી રાત્રે પાંડેસરા વિસ્તારમાં 25 વર્ષીય યુવાનને કેટલાક અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શહેરમાં સતત ત્રણ દિવસમાં આ પાંચમી હત્યાની ઘટના છે. ગઇકાલે સરોલી રોડ પર રૂપિયાની લેતી દેતીમાં એક યુવાન સરેઆમ મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેના આગલા દિવસે પણ હત્યાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. જેમાં પાંડેસરમાં પ્રેમપ્રકરણમાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની શાહી સુકાઇ પણ નથી ત્યારે પાંડેસરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા પોલીસ પ્રશાસન પર સવાલો ઉઠવા પામ્યા છે.

ઘટનાની વિગત મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવકને કેટલાક અજાણ્યા બદમાશોએ ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદમાં યુવક પાસે રહેલો મોબાઇલ ફોન, રોકડ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. પોલીસે અનુમાન લગાવ્યું છે કે આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોઈ શકે છે.

શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોવાલનગર ચાર રસ્તા પાસે આવેલા ગણપતનાગરમાં 25 વર્ષીય યુવાન સંતા મણીરામ યાદવ પર પાંચથી છ જેટલા યુવાનોએ હુમલો કર્યો હતો. હુમલો કરનાર ઈસમો સંતાને ચપ્પુ જેવા ઘારદાર હથિયારના ઘા મારી તેની પાસે રહેલા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લઇને ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણકારી મળતા પાંડેસરા પોલીસ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ શરુ કરી હતી. યુવાનની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યાના લઇને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે મારનાર યુવાનની હત્યા લૂંટના ઇરાદે અથવા અંગત અદાવતમાં થઇ હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યું છે. આ સાથે જ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

આમ ત્રણ દિવસમાં પાંચ હત્યાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. શહેરમાં બદમાશો બેખોફ બની ગયા હોય તેમ સરેઆમ લૂંટફાટ, મર્ડર જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે. તો બીજી તરફ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.