ભક્તો માટે ભગવાન સુધી પહોંચવાનો બીજો ‘રામસેતુ’, Y શેપના 11 પિલર તૈયાર કરવામાં આવ્યા

0
0

યાત્રાધામ દ્વારકાના કાળિયા ઠાકરને જે ભક્ત માથુ નમાવવા જાય તે દરિયો પાર કરી અચૂક બેટ દ્વારકા જાય છે. પરંતુ ઓખાથી બોટમાં બેસી સાડા ચાર કિલોમીટરનું દરિયાઈ અંતર કાપી બેટ દ્વારકા પહોંચવું પડે છે. પરંતુ હવે આ દરિયા વચ્ચે 962 કરોડના ખર્ચે સિગ્નેચર સેતુ એટલે કે સિગ્નેચર બ્રિજ આકાર પામી રહ્યો છે.

અમારી ટીમ જ્યારે બ્રિજ પર પહોંચી ત્યારે 300થી વધુ એન્જિનિયરો અને કામદારો કામ કરતા નજરે પડ્યા હતા. હાલ દરિયા વચ્ચે 11 જેટલા પિલર ઉભા થઇ ગયા છે. આ બ્રિજ ભક્તોને ભગવાન સુધી પહોંચાડવામાં ચોક્કસપણે બીજો રામસેતુ બની રહેશે.

જમીન અને દરિયામાં મળીને કુલ 4,472 મીટરનું કામઃ પ્રાંત અધિકારી

દ્વારકા પ્રાંત અધિકારી નિહાર ભેટારીયાએ જણાવ્યું હતું કે, આ સેતુરૂપી બ્રિજ 962.83 કરોડના ખર્ચે એપ્રિલ 2022માં તૈયાર થઇ જશે તેવી એક ધારણા છે. જમીન અને દરિયામાં થઇ 4,472 મીટરનું કામ છે. દરિયામાં કુલ 2,320 મીટર અને જમીન પર 2,152 કામ છે. ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજ બની રહ્યો છે. હાલ આ બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

દરિયાઇ બ્રાજ ક્રેનથી 11 પિલર ઉભા કરવામાં આવ્યાં

દ્વારકાના ઓખાથી બેટદ્વારકા સુધી સમુદ્રમાં દરિયાઇ બ્રાજ ક્રેનથી 11 પિલર ઉભા કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2017માં ઓખાથી બેટદ્વારકા સુધીનો સમુદ્રનો માર્ગ ભૂ માર્ગે જોડવાની જાહેરાત કરી હતી. જે અનુસંધાને હરિયાણાની એક ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કામ સોંપી દેવામાં આવ્યું હતું. કંપની દ્વારા 300 જેટલા એન્જિનિયરની મદદ દ્વારા સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.

Y શેપના 11 પિલર તૈયાર કરવામાં આવ્યા છે.

Y શેપના 11 પિલર તૈયાર કરવામાં આવ્યા છે.

વર્ષે 20 લાખ યાત્રાળુ ઓખાથી બેટ દ્વારકાના દર્શને આવે છે

દ્વારકા ખાતે વર્ષે 20 લાખથી વધુ યાત્રાળુઓ બેટ દ્વારકાના દર્શને આવે છે. ઉપરાત 8 હજાર સ્થાનિકોને દ્વારકાથી ઓખા જવા માટે ફરજિયાત બોટનો જ સહારો લેવો પડે છે. પરંતુ આ પૂલ બની ગયા પછી સ્થાનિકોના અનેક પ્રશ્નોનો ઉકેલ આવી જશે. દ્વારકા દર્શન કરવા આવતા યાત્રાળુઓ બ્રિજ બની જાય પછી પોતાના જ વાહનમાં દર્શન માટે જઇ શકશે. બેટ દ્વારકા એક ટાપુ છે અને ચારેબાજુ દરિયો હોવાથી બોટના સહારે દ્વારકા જઇ શકે છે. પરંતુ બ્રિજ બની રહ્યો હોવાથી બેટ દ્વારકાના લોકોમાં પણ એક હરખની હેલી છે.

આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક વાહન દ્વારા બેટ દ્વારકા પહોંચી શકાશે

આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક વાહન દ્વારા બેટ દ્વારકા પહોંચી શકાશે

ઓખા બાજુની લંબાઇ 1066 મીટર અને બેટ દ્વારકા બાજુની 1180 મીટર લંબાઇ રહેશે

બ્રિજમાં કુલ ત્રણ ગાળા બનાવવામાં આવશે. જેમાં 500 મીટર લંબાઇના અને 200 મીટર લંબાઇના બે સ્પાન બનશે. બ્રિજની ઓખા બાજુની લંબાઇ 1066 મીટર રહેશે. તેમજ બેટ દ્વારકા બાજુની 1180 મીટરની લંબાઇ રહેશે. સિગ્નેચર બ્રિજ 27.20 મીટર પહોળો બનશે તેમજ આ બ્રિજમાં 2.5 મીટર પહોળી ફૂટપાથ બનાવવામાં આવશે.

બેટદ્વારકામાં કોઇ મેડિકલ ઇમરજન્સી આવે તો દર્દીને બોટ પર નિર્ભર નહીં રહેવું પડે

બેટદ્વારકામાં કોઇ મેડિકલ ઇમરજન્સી આવે તો દર્દીને બોટ પર નિર્ભર નહીં રહેવું પડે

યાત્રિકો ફેરી બોટ સિવાય વાહનમાર્ગે પણ જઇ શકશે

સિગ્નેચર બ્રિજ બનતા યાત્રિકો બ્રિજ મારફતે વાહનમાં મુસાફરી કરી શકશે અને દર્શન કરી તુરંત પરત પણ ફરી શકશે. તેમજ આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક વાહન દ્વારા પહોંચી શકાશે. જો કોઇ યાત્રિક ઓખાથી બેટ દ્વારકા સ્પેશિયલ બોટમાં જાય તો અઢીથી ત્રણ હજાર રૂપિયા ખર્ચ થાય છે. આ સિવાય દરિયામાં કરંટ હોય, ચોમાસામાં ખૂબ વરસાદ હોય તો બોટ સર્વિસ ઠપ થઇ જાય છે. આથી બેટદ્વારકા સંપર્ક વિહોણું બની જાય છે. આ સિવાય 8 હજારથી વધુ વસ્તીવાળા બેટદ્વારકામાં કોઇ મેડિકલ ઇમરજન્સી આવે તો દર્દીને બોટના સહારે રહેવું પડતું હોય છે. પરંતુ આ બ્રિજ આવા લોકો માટે આશીર્વાદ સમાન બની રહેશે.

ફૂટપાથ પર શ્લોક લખવામાં આવશે અને ભગવાનના ફોટો મૂકાશે

​​​​​​​​​​​​​​યાત્રિકોને પસાર થવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે બ્રિજની બન્ને બાજુ 2.5 મીટર પહોળી ફૂટપાથ બનાવવામાં આવશે. આ ફૂટપાથ પર સૂત્રોના જણાવ્યા મુજબ શ્લોક અથવા તો ભગવાન શ્રીકૃષ્ણના ફોટોગ્રાફ મુકવામાં આવશે. આ પૂલ વચ્ચે તારથી બાંધીને બે ઊંચા ટાવર(પાયલોન ) ઊભા કરાશે. તેની ઊંચાઇ 150 મીટર રહેશે. આ બે પાયલોનની વચ્ચે અડધો કિ.મી. પહોળાઇ રહેશે.

બ્રિજ બનતા સંભવત તેના પરથી કેબલ પસાર કરીને વીજળી પહોંચાડાશે

બ્રિજ બનતા સંભવત તેના પરથી કેબલ પસાર કરીને વીજળી પહોંચાડાશે

સોલાર પેનલથી બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ ઝળહળશે

​​​​​​​​​​​​​​ઓખાથી બેટદ્વારકા સુધી સમુદ્ર અંદર કેબલ નાખવામાં આવ્યો છે અને જે કેબલ દ્વારા બેટ દ્વારકાને વીજળી પુરી પાડવામાં આવી રહી છે. પરંતુ બોટોના કારણે અનેક વખત કેબલ તૂટી જતા વીજ પુરવઠો ખોરવાઇ જાય છે. પરંતુ બ્રિજ બનતા સંભવત તેના પરથી કેબલ પસાર કરીને વીજળી પહોંચાડાશે. ફૂટપાથ બનવાથી યાત્રિકો-શ્રધ્‍ધાળુઓ સુરક્ષિત રીતે ચાલીને પણ ઓખાથી બેટ દ્વારકા જઇ શકશે. ફૂટપાથ ઉપર લગાવેલી સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળીનું ઉત્‍પાદન થશે. જેનાથી બ્રિજ ઉપરની સ્‍ટ્રીટ લાઇટ પણ ઝળહળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here