માનવજાત સામે વધુ એક જોખમ, પ્લાસ્ટિકનો વરસાદ થઈ રહયો છે

0
24

વોશિંગ્ટન, તા. 16 ઓગસ્ટ 2019, શુક્રવાર

હવામાં ભળતા પ્રદુષણના કારણે એસિડનો વરસાદ થતો હોવાનુ ક્યારેક બનતુ હોય છે પણ અમેરિકામાં થયેલા એક સંશોધનમાં એવો ચોંકાવનારાઓ ખુલાસો થયો છે કે, હવે પ્લાસ્ટિકનો વરસાદ થયો છે.

અમેરિકાના જીઓલોજિકલ સર્વે અને ઈન્ટરિયર ડિપાર્ટમેન્ટના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જોકે પ્લાસ્ટિક નરી આંખે નહોતુ દેખી શકાયુ પણ માઈક્રોસ્કોપ અને ડિજિટલ કેમેરા થકી તેમણે કરેલી ચકાસણમાં વરસાદમાં પ્લાસ્ટિકના સૂક્ષ્‍મ કણો દેખાયા હતા.

સર્વેના ભાગરૂપે જે સેમ્પલો લેવાયા હતા તેમાં 90 ટકા સેમ્પલમાં પ્લાસ્ટિકના કણ પ્લાસ્ટિકના ફાઈબરના સ્વરૂપમાં હતા. શહેરી વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોના સેમ્પલો કરવા વધારે માત્રામાં પ્લાસ્ટિકનુ પ્રમાણ જોવા મળ્યુ છે. દરિયાની સપાટીથી 10,400 ફૂટ ઉંચે લેવાયેલા પહાડી વિસ્તારના સેમ્પલમાં પણ પ્લાસ્ટિકના કણ દેખાયા છે.

સંશોધકો જોકે હજી જાણી શક્યા નથી કે, પ્લાસ્ટિક ક્યાંથી આવી રહયુ છે પણ આ સંશોધન દુનિયાભરમાં પ્લાસ્ટિકના વધી રહેલા વપરાશના કારણે સમસ્યા કેટલી ગંભીર બની રહી છે તેનુ એક ઉદાહરણ છે.

આ પહેલા દક્ષિણ ફ્રાંસમાં પણ પ્લાસ્ટિકની સાથે વરસાદના કણો વરસતા જોવા મળ્યા હતા.

અન્ય એક અભ્યાસમાં એવુ બહાર આવ્યુ હતુ કે, લોકો ભોજનની સાથે જાણે અજાણે દરેક સપ્તાહમાં પાંચ ગ્રામ પ્લાસ્ટિક પેટમાં પધરાવી રહ્યા છે.

અભ્યાસમાં સામેલ સંશોધકોનુ કહેવુ છે કે, જેટલુ પ્લાસ્ટિક આપણે જોઈ શકીએ છે તેનાથી વધારે પ્લાસ્ટિક દરેક જગ્યાએ છે. હવે તે પર્યાવરણનો હિસ્સો બની ગયુ છે. પ્લાસ્ટિકનો 90 ટકા કચરો રિસાયલ થતો નથી અને ધીરે ધીરે તે નાના ટુકડાઓમાં ફેરવાતો જાય છે. એટલે સુધી કે જ્યારે તમને કપડા ધુઓ છો ત્યારે તેમાંથી પણ પ્લાસ્ટિક ફાઈબર છુટુ પડતુ હોય છે. વાતાવરણમાં પ્લાસ્ટિકના કણો ભળતા રહેતા હોય છે. એ પછી તે પાણીના ટીપાઓમાં સામેલ થઈ જાય છે. વરસાદની સાથે તે પછણ ધરતી પર આવે છે અને વહેતા પાણીની સાથે તે નદીઓ, સરોવરો, દરિયામાં અને ભૂગર્ભ જળમાં સામેલ થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here