એન્ટિલિયા કેસ : વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયોની પાછળ દેખાયેલી ઈનોવા મળી આવી

0
3

NIAની ટીમે એ ઈનોવા કાર જપ્ત કરી છે કે જે એન્ટિલિયાની બહાર ઉભેલી સ્કોર્પિયોની પાછળ બે વખત દેખાઈ હતી. આ ઈનોવા શનિવારે રાત્રે જપ્ત કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકી જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાંચમાં રહી આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન વઝે જ આ કારનો ઉપયોગ કરતા હતા. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આજે તેના ડ્રાઈવર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે.

વઝેનો વધુ એક વીડિયો વાઈરલ થયો

વિવાદોમાં ઘેરાયેલા મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન વઝેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે એક સ્કોર્પિયો કારની પાસે જોવા મળી રહ્યાં છે. આ કાર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોની સાથે પાર્ક કરવામાં આવેલી કાર જેવી જ છે. મહારાષ્ટ્ર ATS હવે વાઈરલ વીડિયોની તપાસ કરી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વીડિયો ગત વર્ષની 5 નવેમ્બરનો છે, જ્યારે પોલીસ ટીમની સાથે વઝે જર્નલિસ્ટ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરીને લઈ જઈ રહ્યાં હતા. તે દરમિયાન રિપબ્લિક ટીવીની ટીમે તેમને રોક્યા હતા, ત્યારે વજેએ ટીમને રોકી હતી. તે સમયે તેમની પાસે તે જ શંકાસ્પદ કાર ઉભેલી જોવા મળે છે.

સચિન વઝેનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ

એન્ટિલિયા કેસમાં સચિન વઝેની NIAએ ધરપકડ કરી છે. વઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્ર વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે મોરચો માંડ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા રામ કદમે ટ્વીટ કરીને સચિન વઝેનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરી છે. રામ કદમે વઝેની ધરપકડ મામલે ઉદ્ધવ સરકારનો પણ ઘેરાવ કર્યો છે.

NIA આજે કોર્ટમાં રજૂ કરશે

NIA આજે મુંબઇ પોલીસના આસિસ્ટન્સ ઈન્સ્પેકટર સચિન વઝેને કોર્ટ સમક્ષ રજૂ કરશે. NIA કોર્ટ સમક્ષ વઝેની કસ્ટડીની માંગ કરશે. આ પહેલા શનિવારે મોડી સાંજે વઝેની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ તેની એન્ટિલિયા નજીક વિસ્ફોટકોથી ભરેલી કારના સંબંધમાં ધરપકડ કરી હતી. આ પહેલા થાણેની સેશન્સ કોર્ટે શનિવારે વાઝેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે શરૂઆતમાં તેની સામે કેટલાક પુરાવા છે, ધરપકડથી બચવા માટે વઝેએ શુક્રવારે આગોતરા જામીન અરજી કરી હતી. આ કેસની આગામી સુનાવણી 19 માર્ચે થશે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ની બહારથી મળી આવેલ સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનનાં મોતનાં કેસમાં પણ વઝે પર આરોપ લાગ્યા છે. આ કેસની તપાસ એન્ટી ટેરરિઝમ સ્કવોડ (ATS) દ્વારા કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલામાં મનસુખની સ્કોર્પિયો ચોરીનો એક કિસ્સો પણ છે, જેની તપાસ મહારાષ્ટ્ર પોલીસ કરી રહી છે.

સચિન વઝે પર તમામ આરોપ લાગ્યા બાદ મહારાષ્ટ્રના ગૃહ વિભાગના આદેશ પર તેને ક્રાઇમ બ્રાન્ચમાંથી હટાવવામાં આવ્યા હતા. તેમને નાગરિક સુવિધા કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. આ આદેશ શુક્રવાર 12 માર્ચ મોડી સાંજે જાહેર કરવામાં આવ્યો હતો. 10 માર્ચે ગૃહમંત્રી અનિલ દેશમુખે વિરોધના ધાંધલધમાલ બાદ વઝેના ટ્રાન્સફરની વાત કરી હતી.

વઝે પર શું આરોપ છે ?

વઝેનું નામ 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ની બહારથી મળી આવેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના મૃત્યુ સાથે સંકળાયેલું છે. મનસુખના મોત મામલે મહારાષ્ટ્ર ATSએ હત્યા અને ગુનાહિત કાવતરું ઘડવાનો કેસ નોંધ્યો છે. મનસુખની પત્ની વિમલા હિરેને પણ વઝે પર તેના પતિની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપ વિમલા હિરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા એક પત્ર દ્વારા લગાવ્યો હતો.

પત્નીએ કહ્યું- વઝે સ્કોર્પિયોનો ઉપયોગ કરતા હતા

સ્કોર્પિયો મળી આવ્યાના એક અઠવાડિયા પછી મનસુખ હિરેનની લાશ તેના ઘરથી સાત કિલોમીટર દૂર થાણેની દરિયાઇ ખાડીમાંથી મળી હતી. આ પછી તેની પત્નીએ જણાવ્યું હતું કે તેની સ્કાર્પિયો કાર છેલ્લાચાર મહિનાથી એપીઆઈ સચિન વઝે ઉપયોગ કરી રહ્યો હતો. તેણે એટીએસમાં નોંધાવેલા નિવેદનમાં પણ સચિન વઝે પર હત્યાની શંકા પણ વ્યક્ત કરી છે.

સ્કોર્પિયોની ચોરીના નથી મળ્યા પુરાવા

મુકેશ અંબાણીના ઘરની બહારથી વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયોનો ફોરેન્સિક રિપોર્ટ પણ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, કારની ચેસીસ અને એન્જિન નંબરને ગ્રાઇન્ડરથી દૂર કરવાના પ્રયાસ કરેલા છે. કારનો ગેટ ખોલવા અથવા ચોરી કરવા માટે કોઈ ચેડાં, તોડફોડ કરી હોવાના પુરાવા મળ્યા નથી. આનો અર્થ એ છે કે તે વ્યક્તિ ખૂબ જ સરળતાથી કારની ચોરી કરવામાં સફળ રહી હતી.

NIA અને ATSની તપાસ ચાલુ

વિમલા હિરેને કહ્યું હતું કે 17 ફેબ્રુઆરીની રાતે તેનું સ્ટીયરિંગ જામ થઈ જતાં તે વાહન રસ્તા પર છોડી દીધું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરમિયાન શુક્રવારે આ કેસમાંથી એનઆઈએની એક ટીમે આ કેસ બાબતે માહિતી મેળવવા માટે થાણે પોલીસ અધિકારીઓને મળવા પહોંચી હતી. હિરેનના મોતની તપાસ કરી રહેલા મહારાષ્ટ્ર એટીએસે પણ થાણેની કેટલીક વ્યક્તિઓનાં નિવેદનો પણ નોંધ્યાં છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here