એન્ટિલિયા કેસ :જે ટેલિગ્રામ ચેનલથી વિસ્ફોટક મૂકવાની જવાબદારી લેવાઈ એનું લોકેશન દિલ્હીની તિહાડ જેલનું મળ્યું

0
2

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર મળેલી જિલેટીન સ્ટિક્સ ભરેલી સ્કોર્પિયો વિશે ફરી એક મહત્ત્વનો ઘટસ્ફોટ સામે આવ્યો છે. અંગ્રેજી ન્યૂઝપેપર ઈન્ડિયન એક્સપ્રેસે એક પ્રાઈવેટ સાયબર એજન્સી તરફથી દાવો કરવામાં આવ્યો છે કે જે કથિત આતંકી ગ્રુપ એટલે કે જૈશ-ઉલ-હિંદની ટેલિગ્રામ ચેનલથી વિસ્ફોટક મૂકવાની જવાબદારી લેવામાં આવી હતી એ ચેનલ દિલ્હીની તિહાડ જેલમાં બનાવાઈ હતી. નોંધનીય છે કે કેન્દ્રના આદેશ પછી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.

ઓફિશિયલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ખાનગી સાયબર એજન્સીને તપાસ એજન્સી NIAએ એક ફોન ટ્રેક કરવા કહ્યું હતું. આ એ જ ફોન હતો, જેના પર ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી. તેમને તપાસ એજન્સીની ઓળખ આપવામાં આવી નથી, પરંતુ કહ્યું છે કે કેન્દ્રીય એજન્સીએ આ માહિતી દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલને આપી છે.

સિમકાર્ડનું લોકેશન તિહાડ જેલનું હતું

ખાનગી સાયબર ફર્મે તૈયાર કરેલા એક સિક્યોરિટી એનાલિસિસ રિપોર્ટના જણાવ્યા અનુસાર, એ ટેલિગ્રામ ચેનલ 26 ફેબ્રુઆરીએ 3 વાગ્યે ટાર નેટવર્ક દ્વારા બનાવવામાં આવી હતી. એનો ડાર્ક વેબનો ઉપયોગ કરવા માટે કરવામાં આવે છે. જે સિમકાર્ડથી આ કરવામાં આવ્યું હતું એનું લોકેશન તિહાડ જેલ આવી રહ્યું છે. ડાર્ક વેબ ઈન્ટરનેટનો એક હિસ્સો છે, જેને માત્ર TOR જેવા નેટવર્કના માધ્યમથી એક્સેસ કરી શકાય છે, નહિ કે પારંપરિક સર્ચ એન્જિન પર.

જવાબદારી લેનાર સંગઠને આ કહ્યું હતું

28 ફેબ્રુઆરીએ વિસ્ફોટકથી ભરેલી ગાડી પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દે લીધી હતી. જોકે એના આગલા દિવસે અન્ય એક ટેલિગ્રામ ચેનલથી આ સંગઠને એક પોસ્ટર બહાર પાડીને આ વાતનો ઈન્કાર કર્યો હતો.

વિસ્ફોટક રાખવાની જવાબદારી લેનાર સંગઠને લખ્યું હતું કે આ માત્ર ટ્રેલર છે અને પિચ્ચર હજી બાકી છે. રોકી શકો તો રોકી લો. તમે કંઈ જ કરી શક્યા ન હતા, જ્યારે અમે તમારી નાકની નીચે દિલ્હીમાં હિટ કર્યું હતું, તમે મોસાદની સાથે હાથ મિલાવ્યા, જોકે કંઈ ન થયું. તમને ખબર છે, તમારે શું કરવાનું છે. બસ પૈસા ટ્રાન્સફર કરી દો, જે તમને પહેલા કહેવામાં આવ્યું છે.

પછીથી જૈશ-ઉલ-હિંદે પણ એને ખોટું ગણાવ્યું હતું

બીજા દિવસે જૈશ-ઉલ-હિંદ નામની બીજી ટેલિગ્રામ ચેનલને કહેવામાં આવ્યું, ‘આજે સવારે અમે જોયું કે ભારતીય મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે જૈશ-ઉલ-હિંદે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર બનેલી ઘટનાની જવાબદારી લીધી છે. અમને જૈશ-ઉલ-હિંદ નામના ટેલિગ્રામ અકાઉન્ટની પણ જાણકારી મળી છે, જેમાં આ જ ઘટનાને ટાંકીને એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે.

અમે પોસ્ટરથી સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આ ઘટના સાથે જૈશ-ઉલ-હિંદનો કોઈ સંબંધ નથી. મુકેશ અંબાણીના બંગલાની બહાર બનેલી ઘટના, કથિત ટેલિગ્રામ અકાઉન્ટ અને પત્રનો અમારે કોઈ સંબંધ નથી. અમે બનાવટી પોસ્ટરો બનાવવા બદલ ભારતીય ગુપ્તચર એજન્સીઓની નિંદા કરીએ છીએ. અમે ક્યારેય પણ કુફ્રો (ઈશ્વરને ન માનવાવાળા) પાસેથી ખંડણી ક્યારેય લેતા નથી અને ભારતીય ઉદ્યોગપતિ સાથે અમારી કોઈ લડાઈ નથી; અમારી લડત ભાજપ અને સંઘ સામે છે.

આ પત્ર દ્વારા મુસ્લિમોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી ભારતના નિર્દોષ મુસ્લિમો સામે જે દુષ્ટ કાર્યો કરે છે એની સામે અમે લડી રહ્યા છીએ. અમે શરિયત માટે લડી રહ્યા છીએ, પૈસા માટે નહીં. અમે બિનસાંપ્રદાયિક લોકશાહીની વિરુદ્ધ લડી રહ્યા છીએ, અંબાણી સામે નહીં.’

ATSએ ઘટનાસ્થળે જઈને તપાસ કરી

જે સ્કોર્પિયોને એન્ટિલિયા બહારથી મળી આવી હતી એનો માલિક થાણેનો વેપારી મનસુખ હિરેનના મૃત્યુ બાદ આ મામલો દિવસે ને દિવસે પેચીદો થતો જય રહ્યો છે. મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્કવોડ (ATS)એ આ મામલે હત્યા અને કાવતરું ઘડવાનો કેસ દાખલ કર્યો છે. એની તપાસ સતત ચાલુ છે. બુધવારે ATS ટીમે જ્યાંથી મનસુખનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યાં જઈને તપાસ કરી છે. ટીમે મનસુખનો મૃતદેહ સૌથી પહેલા જોનારી વ્યક્તિ સાથે પણ વાતચીત કરી હતી.

મનસુખની પત્નીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું

બુધવારે સાંજે મનસુખની પત્ની વિમલા હિરેન અને તેમના પુત્રનું નિવેદન નોંધવા માટે તેમને એટીએસ ઓફિસ બોલાવવામાં આવ્યાં હતાં. પત્નીએ આ કેસમાં ક્રાઇમ બ્રાંચના પૂર્વ અધિકારી API સચિન વાઝે પર હત્યા કરવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. ATSની ટીમે વિમલાનું લગભગ એક કલાક સુધી નિવેદન લીધું છે.

શું છે સમગ્ર ઘટના?

25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ પર આવેલા એન્ટિલિયા બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો ગાડી મળી હતી. 24 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ 1 વાગે આ ગાડી એન્ટિલિયા બહાર ઊભેલી જોવા મળી હતી. બીજા દિવસે ગુરુવારે પોલીસની એના પર નજર પડી હતી અને કારમાંથી 20 જિલેટિન સ્ટિક્સ મળી હતી.

5 માર્ચે આ સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની લાશ મળી આવી હતી. થોડા દિવસ પહેલાં જ મનસુખે આ ગાડી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી મહારાષ્ટ્ર ATSએ મનસુખની હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 2 હજારથી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here